સુરતના ઉત્રાણ વિસ્તારમાં શુદ્ધ ગાયના ઘીના નામે ભેળસેળવાળું નકલી ઘી બનાવતી એક ફેક્ટરી પર ફૂડ સેફ્ટી વિભાગે દરોડો પાડ્યો છે. ફેક્ટરીમાં 'સુહાસ ગાય ઘી'ના નામે બનતું આ ઘી આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું લેબોરેટરી તપાસમાં સાબિત થયું છે.
ફૂડ સેફ્ટી ટીમે ચોક્કસ બાતમીના આધારે આ ફેક્ટરી પર ઓચિંતા દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ઘીના શંકાસ્પદ નમૂના લીધા હતા. સરકારી લેબોરેટરીના રિપોર્ટમાં આ ઘી હલકી ગુણવત્તાવાળું અને ભેળસેળવાળું હોવાનું જાહેર થયું હતું.
તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ શુદ્ધ ઘી બનાવવાને બદલે રિફાઇન્ડ સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીનો વ્યાપક ઉપયોગ કરતા હતા. અન્ય સસ્તી સામગ્રી ભેળવીને તૈયાર કરેલું આ ઘી બજારમાં પ્રિમિયમ પ્રોડક્ટના આકર્ષક પેકિંગમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું.
આ મામલે સન્ની મોદી, કિશન મોદી, કલ્પેશ મોદી અને જીમીત પઢીયાર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ ચારેય આરોપીઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે.
દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી રિફાઇન્ડ સોયાબીન તેલ અને અન્ય પ્રકારના તેલ મળી આવ્યા હતા. આ ઉપરાંત ઘીના ખાલી અને ભરેલા ડબ્બા, પેકિંગની છાપેલી સામગ્રી, મોટી ટાંકીઓ અને નકલી ઘી બનાવવાની મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગે કુલ 18.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરીને સીલ કરી છે.
આરોપીઓ કાચો માલ ક્યાંથી લાવતા હતા અને આ નકલી ઘી સુરત કે ગુજરાતના કયા વેપારીઓને હોલસેલમાં વેચવામાં આવતું હતું, તે દિશામાં આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.