સુરત: નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર 'ગરબા પાર્ટનર ભાડે મેળવો' અને 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ની પોસ્ટ ઝડપથી વાઈરલ થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રૂ. 1,000થી રૂ. 6,500 સુધીના પેકેજની જાહેરાત કરવામાં આવી રહી છે. જોકે, આ જાહેરાતોની તપાસ કરતાં તે સાચી સેવા નહીં, પણ માત્ર ફોલોઅર્સ અને રીચ વધારવા માટે બનાવવામાં આવેલી ફેક પોસ્ટ હોવાનું સામે આવ્યું છે.
આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે રૂ. 1,000થી શરૂ થતા 'સિલ્વર પેકેજ'માં 2 કલાક ગરબા રમવાની સુવિધા, મેચિંગ આઉટફિટ, ગરબાના બેઝિક સ્ટેપ્સ શીખવવા અને ફોટો કે સેલ્ફી લેવાની સુવિધા મળે છે. રૂ. 1,500થી 2,000ના 'ગોલ્ડ પેકેજ'માં 4 કલાક ગરબા રમવા, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અને ફોટા પોસ્ટ કરવા તેમજ 'તમે એકબીજાને કેવી રીતે મળ્યા' તેની એક બનાવટી વાર્તા બનાવવાનો ઓપ્શન આપવામાં આવે છે. જ્યારે રૂ. 2,000થી 6,500 સુધીના 'પ્લેટિનમ પેકેજ'માં આખી રાત ગરબા, પર્સનલ ટ્રેનિંગ, સ્પેશિયલ કેન્ડિડ ફોટા અને રીલ્સ, પબ્લિકમાં હાથ પકડવો તેમજ ગરબા પૂરા થયા પછી લેટ-નાઇટ ફૂડ ડ્રાઇવ (ચાટ, કુલફી કે ફાલુદા) પર જઈને ડ્રોપ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. કેટલાક પેજ પર 'મિડનાઇટ મેગી રન', 'સ્પેશિયલ બર્થડે ગરબા ડેટ' અને 'એક રાત માટે ફેક ડેટિંગ' જેવા એડ-ઓન્સ પણ દર્શાવાયા છે.
આ મામલે ભાસ્કરે રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું કે આવા કોઈ પણ ગરબા પાર્ટનર વાસ્તવમાં ભાડે મળતા નથી. પેજ સંચાલકોએ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ સાચી સર્વિસ નથી, પરંતુ માત્ર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીચ અને ફોલોઅર્સ વધારવા માટે બનાવવામાં આવેલું મનોરંજક કન્ટેન્ટ કે 'મીમ' છે. નવરાત્રી દરમિયાન લોકો આ પોસ્ટ વધુમાં વધુ શેર કરે તે માટે આવા કાલ્પનિક પેકેજ તૈયાર કરવામાં આવ્યા હતા. એક પોસ્ટ મૂકનારાએ સ્વીકાર્યું કે આ પોસ્ટ મજાક માટે કરી છે. આ અંગે ગાંધીનગર સાયબર સેલ ઓફ એક્સલન્સનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે હજી સુધી આ પ્રકારની કોઈ ફરિયાળ દાખલ થઈ નથી.
આ ટ્રેન્ડનો સખત વિરોધ કરતા સુરત બજરંગ દળના પ્રતાપ રાજપુરોહિતે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર નવરાત્રીમાં ભાડેથી પાર્ટનર મળશે તેવી ચર્ચા ચાલી રહી છે. આની પાછળ અસામાજિક તત્વો લાગેલા છે, જે આવી હલકી માનસિકતા ધરાવતી પોસ્ટ મૂકી રહ્યા છે. નવરાત્રિનો તહેવાર માતાજીની આરાધના, ભક્તિ, પૂજા અને ગરબા રમવા માટે છે, કોઈ પાર્ટનર શોધવા માટે નહીં. તેમણે વિનંતી કરી કે લોકો આવી પોસ્ટથી દૂર રહે, કારણ કે આ એક પ્રકારની છેતરપિંડી છે.