સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં બોગસ ડોક્ટરને 'આયુર્વેદ સેવા રત્ન' એવોર્ડ વિવાદ: આયુર્વેદિક તબીબો કાર્યવાહીની માંગ સાથે લાલઘૂમ

સુરતમાં બોગસ ડોક્ટરને 'આયુર્વેદ સેવા રત્ન' એવોર્ડ વિવાદ: આયુર્વેદિક તબીબો કાર્યવાહીની માંગ સાથે લાલઘૂમ

સુરતમાં ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી 4 ઓક્ટોબર 2026ના રોજ 'વંદે આયુકોન-3' કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નટવરગિરિ નામના વ્યક્તિને મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે 'આયુર્વેદ સેવા રત્ન' એવોર્ડ આપવામાં આવ્યો હતો. જોકે, આ વ્યક્તિના ડોક્ટર તરીકેના દાવા પર શંકા ઊભી થતાં વિવાદ સર્જાયો છે.

આ મામલે સુરતમાં તબીબોની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં ડૉ. રજનીકાંત પટેલે જણાવ્યું કે, એવોર્ડ માટે નટવરગિરિનું રજિસ્ટ્રેશન થયું ત્યારે તેમનો રજિસ્ટ્રેશન નંબર શંકાસ્પદ હતો. આ ભૂલથી થઈ હોય તેવું શક્ય નથી.

મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, સમાજ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓને અંધારામાં રાખીને બોગસ ડિગ્રીના આધારે એવોર્ડ મેળવવો એ ગંભીર વિશ્વાસઘાત છે. જેને કારણે વિવાદ ઊભો થયો તેમના સામે કડક પગલાં લેવામાં આવશે. વિવાદ વધતાં 'આયુર્વેદ સેવા રત્ન' એવોર્ડ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

ડૉ. રજનીકાંત પટેલે વધુમાં જણાવ્યું કે, મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે કાઉન્સિલના પ્રમુખે નિવેદન આપ્યું હતું કે નટવરગિરિ પાસે મહારાષ્ટ્રની BAMS ડિગ્રી છે. પરંતુ હાલમાં જ જાણવા મળ્યું છે કે તેમની મહારાષ્ટ્રની ડિગ્રી પણ ફ્રોડ છે. એવોર્ડની પ્રક્રિયા ઓનલાઇન ફોર્મ દ્વારા થયાનું કહેવાય છે, પરંતુ અંદરના સભ્યો દ્વારા જાણવા મળ્યું છે કે એવી કોઈ ઓનલાઇન પ્રક્રિયા થઈ ન હતી જેના આધારે આ બોગસ ડોક્ટરની પસંદગી થઈ હોય.

ડૉ. પટેલે જણાવ્યું કે, એવોર્ડ માટે બધા આયુર્વેદિક ડોક્ટરોનું રજીસ્ટ્રેશન થયું હતું અને કાઉન્સિલે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે ઓનલાઇન ફોર્મમાં રજીસ્ટ્રેશન થાય પછી પસંદગી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને ગુજરાતભરમાંથી 1200 ડોક્ટરો હાજર હતા, તો પણ આવી બેદરકારી કેવી રીતે થઈ? એટલે આ ભૂલ નથી, જાણી જોઈને થયેલું છે.

આરોપી નટવરગિરિની ડિગ્રી અંગે સોશિયલ મીડિયા અને તબીબી વર્તુળોમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમની કહેવાતી મહારાષ્ટ્રની BAMS ડિગ્રી બનાવટી અને શંકાસ્પદ જણાય છે. આ દસ્તાવેજમાં 2022ના સમરમાં પરીક્ષા આપ્યાનું દર્શાવાયું છે, ડિગ્રી ઈશ્યૂ થવાનું વર્ષ 2024 છે અને નીચે રહસ્યમય રીતે વર્ષ 2025નો ઉલ્લેખ છે. વધુમાં, ગુજરાત કે મહારાષ્ટ્ર આયુર્વેદિક કાઉન્સિલમાં તેમના રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરતાં કોઈ સત્તાવાર નોંધણી મળી નથી. આટલી ગંભીર ખામી હોવા છતાં ઉચ્ચ સ્તરે ચકાસણી કરવામાં આવી ન હતી.

ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ, 1963ની કલમ 30 હેઠળ અનરજિસ્ટર્ડ તબીબો સામે દંડ અને જેલની જોગવાઈ છે. કાયદા મુજબ પ્રથમ વખત ઉલ્લંઘન પર ₹500નો દંડ, બીજી વખત 6 મહિનાની જેલ અને ₹500નો દંડ, અને ત્રીજી વખત 2 વર્ષની કેદ અને ₹2,000 સુધીનો દંડ થઈ શકે છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નિયમો તોડનાર હોસ્પિટલ અને ક્લિનિકો પર ₹10,000થી ₹5,00,000 સુધીનો દંડ થઈ શકે છે. અન્ય રાજ્યની ડિગ્રી ધરાવતા તબીબોએ ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC)માં નિયત સમયમાં નોંધણી કરાવવી ફરજિયાત છે.

આયુર્વેદિક ડોક્ટર એસોસિએશનના ડૉ. ચેતન સખીયાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આટલા બધા ડિગ્રીધારી ડોક્ટરોની ઉપસ્થિતિમાં બોગસ વ્યક્તિનું આરોગ્ય મંત્રીના હાથે સન્માન થયું તે અક્ષમ્ય ભૂલ છે. ખુલાસો માંગવા છતાં કાઉન્સિલ તરફથી ગોળગોળ જવાબો મળ્યા છે. આજે વિદ્યાર્થીઓ નીટ (NEET) પાસ કરીને સેલ્ફ-ફાઇનાન્સ MBBS કરતાં પણ વધુ પ્રાથમિકતા આયુર્વેદને આપી રહ્યા છે. આયુર્વેદ વૈજ્ઞાનિક અભિગમ સાથે સમાજમાં પહોંચવો જોઈએ. જો કાઉન્સિલ જ આવા ડિગ્રી વગરના તત્ત્વોને મંચ પર પ્રમોટ કરશે તો અભ્યાસ કરતા યુવાનોમાં ખોટો સંદેશ જશે. આવા બોગસ ડોક્ટર સામે કાયદાનુસાર દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ.