વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે દિવાળી પર દરેક નાગરિકને ₹8,000નું બોનસ આપવાનો દાવો કરતો મેસેજ અને લિંક સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે અને કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. પોલીસના જણાવ્યા મુજબ આ ચીનમાંથી ચાલતા સાયબર ઠગોનું ફિશિંગ કૌભાંડ છે.
ઠગાઈ કેવી રીતે થાય છે?
ઠગ WhatsApp અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતીય ભાષાઓમાં મેસેજ મોકલે છે. તેમાં દાવો કરવામાં આવે છે કે વડાપ્રધાને દિવાળી નિમિત્તે તમામ નાગરિકોને ₹8,000ની રોકડ ભેટ આપવાની જાહેરાત કરી છે.
મેસેજમાં આપેલી લિંક ખોલતાં યુઝર નકલી વેબસાઇટ પર પહોંચે છે, જે દેખાવમાં સરકારી પોર્ટલ જેવી લાગે છે. ત્યારબાદ વિવિધ સૂચનાઓ આપીને WhatsApp કે Telegram એકાઉન્ટની વિગતો અથવા મોબાઇલ ડિવાઇસનો એક્સેસ મેળવવાનો પ્રયાસ થાય છે. આ રીતે ઠગ એકાઉન્ટનો દુરુપયોગ કરીને અન્ય લોકોને પણ નિશાન બનાવે છે.
બોનસની રકમ અપાવવાના બહાને નામ, મોબાઇલ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, CVV અને OTP જેવી સંવેદનશીલ માહિતી માગવામાં આવે છે. આ માહિતીના આધારે ઠગ આર્થિક છેતરપિંડી કરે છે અને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.
કેટલાક કિસ્સામાં પ્રોસેસિંગ ફીના નામે પૈસા માગવામાં આવે છે અથવા UPI PIN દાખલ કરવા ગેરમાર્ગે દોરવામાં આવે છે. શંકાસ્પદ લિંક દ્વારા મોબાઇલમાં જોખમી APK ફાઇલ કે માલવેર પણ ડાઉનલોડ થઈ શકે છે, જેનાથી મોબાઇલ અને તેમાં રહેલી અંગત માહિતી જોખમમાં મુકાય છે.
બચાવ કેવી રીતે કરવો?
અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ કે ફોરવર્ડ કરેલી લિંક પર ક્લિક કરશો નહીં અને બીજાને પણ ન મોકલો. OTP, ATM PIN, CVV અને UPI PIN જેવી માહિતી કોઈ અજાણી વેબસાઇટ કે વ્યક્તિ સાથે શેર કરશો નહીં. સરકારી યોજનાઓની માહિતી માટે સંબંધિત મંત્રાલય કે વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જ ભરોસો રાખો અને માત્ર ડોમેન જોઈને તેને અસલી ન માનો. સરકાર સંબંધિત શંકાસ્પદ દાવાની ખરાઈ માટે PIB Fact Checkનો ઉપયોગ કરો. તેનો WhatsApp નંબર છે +91 8799711259.
ઠગાઈનો ભોગ બન્યા તો શું કરવું?
ભૂલથી શંકાસ્પદ લિંક ખોલી હોય કે બેંક ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય તો તરત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવો. cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ પણ કરી શકાય. તાત્કાલિક બેંકનો સંપર્ક કરો અને જરૂર પડે તો કાર્ડ, UPI કે નેટ બેંકિંગ સેવાઓ અસ્થાયી રૂપે બ્લોક કરાવો. શંકાસ્પદ APK ફાઇલ કે એપ ડાઉનલોડ કરી હોય તો ઇન્ટરનેટ કનેક્શન બંધ કરો અને સુરક્ષિત ડિવાઇસ પરથી બેંક તથા અન્ય મહત્ત્વપૂર્ણ એકાઉન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરો. જરૂર પડે તો સાયબર નિષ્ણાતની મદદ લો.
દિવાળીના બોનસના નામે આવતી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરતા પહેલાં તેની ખરાઈ અવશ્ય કરો. મફતમાં ₹8,000 મેળવવાની લાલચમાં મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવી શકે છે.