સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં નકલી CISF DSP બનીને ફરતો યુવક ઝડપાયો, 11,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં નકલી CISF DSP બનીને ફરતો યુવક ઝડપાયો, 11,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (DSP) હોવાનો ડોળ કરનારા એક યુવકને ઝડપી પાડ્યો છે. આરોપી ફોર્સના જવાનો જેવા કપડાં પહેરીને ફરતો હતો અને લોકો સામે રોફ જમાવવા માટે પેન્ટ પર CISFના DSPનું બનાવટી ઓળખપત્ર લગાવ્યું હતું.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, 5 ઑક્ટોબરના રોજ લાલ દરવાજા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. તેના આધારે પોલીસની ટીમે સરદાર બાગ પાસેથી ફોર્સ જેવા કપડાં પહેરીને ફરતા શંકાસ્પદ યુવકને અટકાવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં યુવક પોતે CISFનો DSP હોવાની ખોટી ઓળખ આપતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે આરોપી મૂળ પંજાબનો વતની છે. તેનું પૂરું નામ અઝમા એ સિકંદર મોહંમદ અખ્તર કમ્બોઝ છે અને તેની ઉંમર 31 વર્ષ છે.

આરોપીની તપાસ દરમિયાન પોલીસને CISFના DSPનું બનાવટી ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ ફોન અને 1,120 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે કુલ 11,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કોઈ સરકારી અધિકારી કે રાજ્ય સેવક ન હોવા છતાં જાહેર સ્થળે સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખનો ઉપયોગ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક કાર્યવાહી બાદ આરોપીને વધુ તપાસ માટે કારંજ પોલીસને સોંપ્યો હતો.

કારંજ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેણે CISFના DSP તરીકેની ખોટી ઓળખ આપીને કોઈની પાસેથી નાણાં પડાવ્યાં છે કે અન્ય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી છે કે કેમ, તે દિશામાં પૂછપરચ કરવામાં આવી રહી છે. તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.