ચલણી નોટોની નકલના સમાચાર તો વારંવાર આવતા હોય છે, પણ હવે બજારમાં ₹20ના નકલી સિક્કા પણ ફરવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી ₹20ના નકલી સિક્કા બનાવતી હતી. પોલીસે તેમની પાસેથી સિક્કા બનાવવાનો માલસામાન અને ખાસ ડાઈ પણ જપ્ત કરી છે.
આ સ્થિતિમાં તમારા ખિસ્સામાંનો ₹20નો સિક્કો અસલી છે કે નકલી, એ ઓળખવું જરૂરી બન્યું છે. સરકારી ધારાધોરણ મુજબ અસલી ₹20ના સિક્કાની કેટલીક ખાસ ઓળખ છે. તેને ધ્યાનમાં રાખીને તમે નકલી સિક્કો પકડી શકો છો.
નકલી સિક્કા કેવી રીતે બનતા હતા?
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ લોખંડ અને જસત (ઝિંક)ની પ્લેટ કાપીને સિક્કાનો આધાર તૈયાર કરતા હતા. પછી તેના પર પિત્તળ (બ્રાસ)નું કોટિંગ કરતા હતા. ત્યારબાદ ખાસ ડાઈ અને હાઈટેક મશીનની મદદથી સિક્કા પર સત્તાવાર ડિઝાઇન અને નિશાની છાપતા હતા. એટલે સિક્કો જોવામાં એકદમ અસલી જેવો લાગતો હતો.
અસલી ₹20ના સિક્કાની ઓળખ
1. સિક્કો ગોળ નથી હોતો: ₹20નો સિક્કો પૂરો ગોળ નથી હોતો. તે 12 ખૂણાવાળો (12-sided polygon) હોય છે. નવી કોઈન ડિઝાઇનમાં તેને બીજા ગોળ સિક્કાથી અલગ રાખવામાં આવ્યો છે, જેથી દૃષ્ટિહીન લોકો પણ સ્પર્શથી ઓળખી શકે.
2. કિનારી પર લાઈનો નથી હોતી: ₹20ના સિક્કાની બહારની ધાર પર આડી કે ઊભી લાઈનો (Serrations) હોતી નથી. તેની કિનારી સાવ સપાટ અને સરખી હોય છે. ₹2 અને ₹10ના સિક્કાની કિનારી પર લાઈનો હોય છે, જ્યારે ₹1, ₹5 અને ₹20ના સિક્કાની કિનારી લાઈન વગરની હોય છે.
3. બે ધાતુનું મિશ્રણ (Bimetallic): ₹10ના સિક્કાની જેમ ₹20નો સિક્કો પણ બહારની રિંગ અને વચ્ચેના ભાગ એમ બે ભાગમાં બનેલો હોય છે. બહારની રિંગ 'નિકલ સિલ્વર'ની હોય છે, જેમાં 65% તાંબુ, 15% ઝિંક અને 20% નિકલ હોય છે. વચ્ચેનો ભાગ 'નિકલ બ્રાસ'નો હોય છે, જેમાં 75% તાંબુ, 20% ઝિંક અને 5% નિકલ હોય છે.
4. ચોક્કસ વજન: સરકારના ધારાધોરણ મુજબ અસલી ₹20ના સિક્કાનું વજન 8.54 ગ્રામ હોય છે. નકલી સિક્કાનું વજન સામાન્ય રીતે આના કરતાં અલગ હોય છે.
5. પાછળ કૃષિ થીમ: આ નવી સિરીઝના સિક્કાની પાછળની બાજુએ કૃષિ (Agriculture)ની થીમ રાખવામાં આવી છે. તેમાં અનાજના દાણા દર્શાવતી ખાસ ડિઝાઇન જોવા મળે છે.
આ પાંચ લક્ષણ તપાસીને તમે ઘરે કે બજારમાં ₹20નો સિક્કો અસલી છે કે નકલી, એ ઓળખી શકો છો. શંકાસ્પદ સિક્કો મળે તો તેને બેંકમાં જમા ન કરો અને નજીકના બેંક શાખા કે પોલીસને જાણ કરવી સારી રહેશે.