સત્ય. સાહસ. સંકલ્પ.

ફેરફેક્સની IDBI બેન્કમાં 60.72% હિસ્સો ખરીદવાની તૈયારી, શેરદીઠ ₹81ની ઓફર

ફેરફેક્સની IDBI બેન્કમાં 60.72% હિસ્સો ખરીદવાની તૈયારી, શેરદીઠ ₹81ની ઓફર

કેનેડાની નાણાંકીય કંપની ફેરફેક્સ IDBI બેન્કમાં 60.72 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. આ ડીલનું મૂલ્ય આશરે ₹52,878 કરોડ થવાનો અંદાજ છે.

સરકારે મૂલ્યાંકન ₹75.99 પ્રતિ શેર નક્કી કર્યું હતું, જ્યારે ફેરફેક્સે શેરદીઠ ₹81ની ઓફર કરી છે. ફેરફેક્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર પીટર ક્લાર્કે જણાવ્યું કે IDBI બેન્કમાં વૈશ્વિક સ્તરે પહોંચ ધરાવતી ભારતની યુનિવર્સલ બેન્ક બનવાની ક્ષમતા છે.

કંપનીની યોજના માત્ર બેન્ક ચલાવવાની નથી. ફેરફેક્સ તેના અન્ય ભારતીય રોકાણો — ગો ડિજિટ ઇન્શ્યોરન્સ અને IIFL કેપિટલ સર્વિસીસ —ને પણ IDBI બેન્ક સાથે જોડી શકે છે. તેનાથી ધિરાણ ઉપરાંત વીમો, વેલ્થ મેનેજમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એક જ પ્લેટફોર્મ પર મળી શકશે.

ઉલ્લેખનીય છે કે IDBI બેન્ક મે 2017થી માર્ચ 2021 સુધી RBIના કડક નિયમન (PCA ફ્રેમવર્ક) હેઠળ હતી. બેન્કે ત્યાર બાદ સુધારો સાધ્યો છે અને માગલા નાણાકીય વર્ષમાં અંદાજે ₹10,000 કરોડનો નફો નોંધાવ્યો હોવાનું જણાવાય છે.

આ ડીલ બાદ સરકાર અને LIC બેન્કમાંથી સંપૂર્ણપણે બહાર નહીં નીકળે. બંને મળીને 34 ટકા હિસ્સો જાળવી રાખશે. તેનાથી ફેરફેક્સના વૈશ્વિક અનુભવનો લાભ સરકાર અને LICને પણ મળતો રહેશે.

આ ડીલ પૂરી થવા માટે RBI અને અન્ય નિયમનકારી સંસ્થાઓની મંજૂરી જરૂરી છે. ઉત્તર અમેરિકા અને ભારતમાં નાણાંકીય ક્ષેત્રનો અનુભવ ધરાવતી ફેરફેક્સે અગાઉ CSB બેન્કને મુશ્કેલીમાંથી બહાર કાઢી નફાકારક બનાવી હતી.