ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકર, અભિનય બેંકર અને પરિક્ષિત તાલમિયા સ્ટારર ફિલ્મ 'ફાફડા જલેબી'ની રિલીઝ ડેટ પાછળ ઠેલાઈ છે. ફિલ્મ પહેલા દિવાળી તહેવાર પર એટલે કે 6 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ 19 માર્ચ 2027ના રોજ રિલીઝ થશે.
સિટી શોર ટીવી પ્રોડક્શનના બેનર હેઠળ પલ્લવ પરીખના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં મલ્હાર, અભિનય અને પરિક્ષિતની સાથે પૂજા જોશી, હીના જયકિશન અને મેઘા પણ મુખ્ય ભૂમિકામાં છે.
નવી રિલીઝ ડેટ મુજબ, 'ફાફડા જલેબી' હવે ગુજરાતી સ્ટાર યશ સોનીની ફિલ્મ 'કડક કાર્યવાહી' અને સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ 'ફૌઝી' સાથે ટકરાશે. યશ સોનીની 'કડક કાર્યવાહી' પણ 19 માર્ચ 2027ના રોજ રિલીઝ થવાની છે.
ઉલ્લેખનીય છે કે, મલ્હાર ઠાકરે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેમના સહ-કલાકાર યશ સોની અને જાનકી બોડીવાલા તેમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા નથી. ત્રણેયે 2015ની બ્લોકબસ્ટર ફિલ્મ 'છેલ્લો દિવસ'થી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, મલ્હારે પછી સ્પષ્ટતા કરી હતી કે અણબનાવની વાતો અફવા છે. તાજેતરમાં નવરાત્રિ દરમિયાન એક ગરબા કાર્યક્રમમાં યશ અને મલ્હારે એકબીજાને ભેટીને આ અફવાઓને વિરામ આપ્યો હતો.