સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવું ખૂબ તણાવપૂર્ણ બની જાય છે. તમારા સંપર્કો, ફોટા, મેસેજ અને અંગત માહિતી પર અજાણ્યા વ્યક્તિનું નિયંત્રણ આવી જાય છે. આ માહિતીનો દુરુપયોગ પણ થઈ શકે છે. તેથી ગભરાવાને બદલે તરત જ પગલાં લેવાં જરૂરી છે.
તમારા ફેસબુક એકાઉન્ટ સાથે ચેડાં થયાં છે કે નહીં, તે કેવી રીતે ખબર પડે? જો તમને તમારા પ્રોફાઇલ ફોટો, પોસ્ટ, કમેન્ટ, મેસેજ કે સંપર્ક વિગતોમાં તમે કર્યા ન હોય એવા ફેરફાર દેખાય, તો સમજવું કે એકાઉન્ટ સાથે ચેડાં થયાં છે. કેટલાક કિસ્સામાં અજાણ્યા લોગિનની ચેતવણી મળે છે, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન કામ કરતું બંધ થઈ જાય છે, અથવા એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં તકલીફ પડે છે.
એકાઉન્ટ પાછું મેળવવા માટે એ જ ફોન, કમ્પ્યુટર કે ઉપકરણ વાપરો, જેનાથી તમે પહેલાં ફેસબુકમાં લોગ ઇન કરતા હતા. એકાઉન્ટ સાથે જોડાયેલો મોબાઇલ નંબર કે ઇમેઇલ સરનામું વાપરવાનો પ્રયાસ કરો. ભૂલી ગયા હો તો પણ એ જ નંબર કે ઇમેઇલ દાખલ કરો, કારણ કે એ જ એકાઉન્ટ સાથે જોડાયેલા હતા.
મોબાઇલ નંબર દાખલ કરો ત્યારે દેશનો કોડ પણ સાથે લખો. જો ઇમેઇલની એક્સેસ પણ ગુમાવી હો, તો તમારા ઇમેઇલ પ્રોવાઇડરનો સંપર્ક કરો અને પૂછો કે ઇમેઇલ એકાઉન્ટ પાછું મેળવવામાં મદદ મળી શકે કે નહીં.
જો એકાઉન્ટની એક્સેસ પાછી મળી જાય, તો સૌથી પહેલું કામ પાસવર્ડ બદલવાનું છે. આ માટે ફેસબુકમાં લોગ ઇન કરો, પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરો, પછી 'સેટિંગ્સ અને પ્રાઇવસી'માં જઈને 'એકાઉન્ટ્સ સેન્ટર' ખોલો. ત્યાં 'પાસવર્ડ અને સિક્યુરિટી' પસંદ કરો, 'પાસવર્ડ બદલો' પર ક્લિક કરો અને નવો પાસવર્ડ સેટ કરો.
મેટા મજબૂત અને અલગ પાસવર્ડ વાપરવાની સલાહ આપે છે. પાસવર્ડ એવો હોવો જોઈએ કે અંદાજ લગાવવો મુશ્કેલ બને. અન્ય એકાઉન્ટમાં પણ એ જ પાસવર્ડ વાપરવો નહીં.