સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ડેરી ફાર્મમાં લગાવેલા મોટા એક્ઝોસ્ટ ફેન સામે 1 કિલોવોટ (1 kW)ની પવનચક્કી ગોઠવીને વર્ષે 11,000 યુનિટ મફત વીજળી પેદા કરી શકાય છે. આ દેશી જુગાડ તરીકે ચર્ચામાં છે. પરંતુ શું ખરેખર આ શક્ય છે? વૈજ્ઞાનિક અને ટેકનિકલ ગણતરી કરીએ તો આ દાવો પોકળ સાબિત થાય છે.
રિપોર્ટ અનુસાર, એક વ્યક્તિએ પશુઓને ઠંડક અને તાજી હવા મળે તે માટે ડેરી ફાર્મમાં મોટા એક્ઝોસ્ટ ફેન લગાવ્યા હતા. આ ફેન સતત ચાલતા વીજળી બિલ પણ ઊંચું આવતું હતું. ખર્ચ ઘટાડવા માટે તેમણે એક્ઝોસ્ટ ફેનમાંથી નીકળતી હવાની સામે લોખંડના સ્ટેન્ડ પર 1 kWની હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇન (પવનચક્કી) ગોઠવી દીધી. વીડિયોમાં દાવો છે કે ફેનના પ્રેશરથી પવનચક્કી ઝડપથી ફરે છે અને વર્ષે 11,000 યુનિટ મફત વીજળી આપે છે.
ગણતરીમાં શું ખોટું છે?
પવનચક્કી હવાથી ફરીને વીજળી બનાવે તે વાત સાચી છે, પરંતુ વાર્ષિક 11,000 યુનિટનો દાવો ખોટો છે. 1 kWની પવનચક્કી સામાન્ય ઝડપે દિવસના 10થી 12 યુનિટ બનાવી શકે. વધુ ઝડપે પણ 15થી 16 યુનિટથી વધુ નહીં. આમ વર્ષે માત્ર 5,500થી 5,800 યુનિટ જ બને. વધુમાં, જો 1 kWની પવનચક્કી 24 કલાક 100% ક્ષમતાએ ચાલે તો પણ દિવસના વધુમાં વધુ 24 યુનિટ, એટલે કે વર્ષે 8,760 યુનિટ જ બની શકે. આથી 11,000 યુનિટનો દાવો પાયાવિહોણો છે.
ટેકનિકલ ખામીઓ
આ જુગાડ દેખાવમાં હોશિયારીભર્યો લાગે, પણ એન્જિનિયરિંગની દૃષ્ટિએ તેમાં ગંભીર ખામીઓ છે:
- બેકપ્રેશર અને મોટર બળવાનું જોખમ: એક્ઝોસ્ટ ફેનને હવા અવરોધ વગર બહાર ફેંકવી પડે. પંખાના મોં આગળ પવનચક્કી મૂકવાથી હવાનો પ્રવાહ અટકે છે, જે 'બેકપ્રેશર' સર્જે છે. આનાથી ફેનની મોટર પર ભારે લોડ પડે છે, ફેન વધુ વીજળી ખેંચે છે અને મોટર બળી જવાનું જોખમ વધે છે.
- ઉર્જા સંરક્ષણનો નિયમ (થર્મોડાયનેમિક્સ): કોઈપણ મોટર કે ટર્બાઇનની કાર્યક્ષમતા 100% હોતી નથી. હિલચાલ અને ગરમીમાં ઘણી ઉર્જા વેડફાય છે. સરળ શબ્દોમાં, એક્ઝોસ્ટ ફેન સામે અવરોધ ઊભો થવાથી તે જેટલી વધુ વીજળી વાપરશે, તેના પ્રમાણમાં પવનચક્કી ઘણી ઓછી વીજળી પાછી આપશે.
આમ, 'મફત વીજળી'નો દાવો વાસ્તવમાં મોંઘી વીજળી અને મોટર ખરાબ કરવાનો સોદો છે. આવા પ્રયોગો પહેલાં વૈજ્ઞાનિક સલાહ લેવી યોગ્ય છે.