સત્ય. સાહસ. સંકલ્પ.

એવરેસ્ટ જીરા પાઉડરનો બેચ અસુરક્ષિત જાહેર: FSSAIએ બજારમાંથી પાછો ખેંચવાનો આદેશ આપ્યો, ક્રિએટિવ બેકર્સનું લાઇસન્સ સસ્પેન્ડ

એવરેસ્ટ જીરા પાઉડરનો બેચ અસુરક્ષિત જાહેર: FSSAIએ બજારમાંથી પાછો ખેંચવાનો આદેશ આપ્યો, ક્રિએટિવ બેકર્સનું લાઇસન્સ સસ્પેન્ડ

નવી દિલ્હી: ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ સત્તામંડળ (FSSAI) એ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રી-પેક્ડ જીરા પાઉડરના એક બેચને બજારમાંથી પાછો મંગાવવાનો આદેશ જાહેર કર્યો છે. લેબોરેટરી તપાસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જંતુનાશક અવશેષો મળી આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સાથે જ, ખાદ્ય સુરક્ષા સંબંધિત ગંભીર ઉલ્લંઘનો મળી આવતાં મેસર્સ ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઇવેટ લિમિટેડનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સના પ્રી-પેક્ડ જીરા પાઉડરનો નિયમનકારી સેમ્પલ ગોવા સ્થિત મેસર્સ રિવરસાઇડ રિસોર્ટ્સ એન્ડ હોલિડે હોમ્સ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાંથી લેવામાં આવ્યો હતો. ફૂડ એનાલિસ્ટના રિપોર્ટમાં ઉત્પાદનમાં એઝોક્સિસ્ટ્રોબિન અને થાયામેથોક્સમ નામના કીટનાશક અવશેષો નિર્ધારિત મહત્તમ મર્યાદા (MRL) કરતાં વધુ પ્રમાણમાં હોવાનું જણાયું હતું.

ફૂડ એનાલિસ્ટે સેમ્પલને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ 'અસુરક્ષિત' (UNSAFE) જાહેર કર્યા બાદ કંપનીને રિપોર્ટને પડકારવાની તક આપવામાં આવી. અપીલ પ્રક્રિયા હેઠળ સેમ્પલને વધુ તપાસ માટે રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું, જ્યાં પણ પુષ્ટિ થઈ કે સેમ્પલ 'અસુરક્ષિત' છે અને બંને કીટનાશકો નિર્ધારિત ધોરણો કરતાં વધુ પ્રમાણમાં હાજર છે.

તપાસ રિપોર્ટની પુષ્ટિ થયા બાદ FSSAIએ નિર્દેશ આપ્યો છે કે અસરગ્રસ્ત પ્રી-પેક્ડ જીરું પાવડરનો બેચ નંબર E080668761 બજારમાંથી તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. કંપનીને પાછા મંગાવવામાં આવેલા ઉત્પાદનનું સંપૂર્ણ દસ્તાવેજીકરણ જાળવી રાખવા અને નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદામાં રિકોલની માહિતી અને સ્ટેટસ રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સુધારાત્મક પગલાં લેવા અને રિકોલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરેક્ટિવ એક્શન રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું છે.

અન્ય એક કાર્યવાહીમાં, FSSAIએ મેસર્સ ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સના ફૂડ પરિસરના નિરીક્ષણ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ જણાયા બાદ કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. નિરીક્ષણ ટીમને ફૂડ પ્રોડક્શન અને હેન્ડલિંગ વિસ્તારમાં ગંદકી, ધૂળ, કરોળિયાના જાળા અને માખીઓ મળી આવી હતી. ઉપરાંત, ઝડપથી બગડી શકે તેવા કાચા માલને ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે કાચા અને અર્ધ-તૈયાર ઉત્પાદનો રાખવા માટે કાટ લાગેલા અને અપૂરતી રીતે સાફ કરાયેલા કન્ટેનરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જ્યાં ખોરાક તૈયાર કરવામાં આવતો હતો, ત્યાં જ કચરો, જૂનો સ્ટોક, રિજેક્ટેડ માલ અને ભંગાર જમા કરવામાં આવ્યો હતો. કાટ લાગેલા સાધનો, ઉખડતો રંગ, ભેજ અને તૂટેલી ફ્લોર ટાઇલ્સે બેકરીમાં સ્વચ્છતાની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી હતી.

FSSAIને બેકરી દ્વારા ફરજિયાત ખાદ્ય સુરક્ષા રેકોર્ડ્સ જાળવવામાં પણ ગંભીર ખામીઓ જોવા મળી. પાણી અને તૈયાર ઉત્પાદનના પરીક્ષણ, સમય-તાપમાન મોનિટરિંગ, સાધનોનું કેલિબ્રેશન, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, મોક રિકોલ, ગ્રાહક ફરિયાદો, કર્મચારીઓની તાલીમ અને ઓડિટ સંબંધિત રેકોર્ડ્સ યોગ્ય રીતે જાળવવામાં આવ્યા નહોતા. આ પછી કંપનીનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તમામ ફૂડ બિઝનેસ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.