સત્ય. સાહસ. સંકલ્પ.

યુરોપની સેન્ટ્રલ બેન્કો સોનું કેમ ખસેડી રહી છે? જાણો કારણ

યુરોપની સેન્ટ્રલ બેન્કો સોનું કેમ ખસેડી રહી છે? જાણો કારણ

વૈશ્વિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે યુરોપના ઘણા દેશો પોતાના સોનાના ભંડારને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે. તાજેતરમાં નેધરલેન્ડ્સે અમેરિકાથી 86 ટન સોનું લંડન શિફ્ટ કર્યું છે. આ નિર્ણય કટોકટીના સમયે સોનાનો સરળ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે.

નેધરલેન્ડ્સની સેન્ટ્રલ બેન્કે જણાવ્યું કે, લંડન વૈશ્વિક સોનાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે. ત્યાં સોનું રાખવાથી કટોકટી દરમિયાન તેને તાત્કાલિક ખરીદવું કે વેચવું સરળ બનશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ વિશ્વની સૌથી મોટી ગોલ્ડ કસ્ટોડિયન છે, જ્યાં આશરે 4 લાખ ગોલ્ડ બાર રાખવામાં આવ્યા છે.

આ પ્રકારનું પગલું ભરનાર નેધરલેન્ડ્સ પહેલો દેશ નથી. ફ્રાન્સ અને જર્મની પણ અગાઉ પોતાનું સોનું પાછું મંગાવી ચૂક્યા છે. જર્મનીએ 216 ટન સોનું પોતાના દેશમાં શિફ્ટ કર્યું હતું, જ્યારે ફ્રાન્સે અમેરિકામાં રાખેલો ભંડાર પાછો લાવ્યો હતો.

નિષ્ણાતોના મતે, યુરોપીયન દેશો આર્થિક કટોકટી અથવા ભૌગોલિક રાજકીય સંઘર્ષની સ્થિતિમાં પોતાના નાણાકીય ભંડારને સુરક્ષિત રાખવા માંગે છે. સેન્ટ્રલ બેન્કો છેલ્લા ચાર વર્ષમાં વાર્ષિક સરેરાશ 1,000 ટન સોનું ખરીદી રહી છે, જે અગાઉના દાયકા કરતાં બમણું છે.