ફ્રાન્સ, બેલ્જિયમ, ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં સુપરમાર્કેટની સિસ્ટમમાં ઘૂસીને સાયબર હુમલાખોરોએ રેફ્રિજરેટર્સનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ કરી દીધું. આ કારણે પેરિસમાં આશરે 150 ફ્રિજમાં આગ લાગી હતી. ઘટના પાછળ રશિયાનો હાથ હોવાની આશંકા સાથે તપાસ ચાલી રહી છે.
ફ્રાન્સમાં હેકર્સે સુપરમાર્કેટની સેન્ટ્રલ સિસ્ટમ હેક કરી અને રાતોરાત અનેક ફ્રિજનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચાડી દીધું. પેરિસ પ્રોસિક્યુટર ઓફિસના જણાવ્યા અનુસાર, ફ્રાન્સભરમાં અગ્રણી ફૂડ રિટેલર્સના સ્માર્ટ અને કનેક્ટેડ રેફ્રિજરેટર્સ આ હુમલાથી પ્રભાવિત થયા છે.
ફ્રાન્સ ઉપરાંત ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે. આ દેશો હવે તપાસ કરી રહ્યા છે કે આ મોટા સાયબર હુમલા પાછળ રશિયાનો હાથ છે કે નહીં.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ફ્રાન્સના વડાપ્રધાન કાર્યાલયે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને યુરોપના અન્ય દેશો સાથે પણ સંપર્ક સાધ્યો છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ઇન્ટરમાર્ચે રિટેલરની માલિકી ધરાવતી કંપની લેસ મોસ્કેટીયર્સે જણાવ્યું કે તમામ ફ્રિજ આશરે 6 કલાક સુધી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહ્યા હતા.
અહેવાલો અનુસાર, હેકર્સે ફ્રાન્સની 6 મુખ્ય સુપરમાર્કેટ્સને નિશાન બનાવી હતી, જેમાં કેરેફોર, મોનોપ્રિક્સ, ઓચાન, ઇન્ટરમાર્ચે અને ઈ-લેક્લર્ક સામેલ છે. ઈ-લેક્લર્ક ફ્રાન્સની સૌથી મોટી સુપરમાર્કેટ ચેઈન છે અને ત્યાં પણ એકસાથે અનેક રેફ્રિજરેટર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જોકે, મોટાભાગની સુપરમાર્કેટ કંપનીઓએ હજુ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી.
હેકર્સે સુપરમાર્કેટની સેન્ટ્રલ સિસ્ટમમાં ઘૂસીને સ્ટોર્સની રેફ્રિજરેશન સિસ્ટમને ફરજિયાત ડીફ્રોસ્ટ મોડ પર મૂકી દીધી. તેના કારણે ફ્રિજનું તાપમાન ધીમે ધીમે વધવા લાગ્યું અને થોડા સમયમાં સેંકડો ફ્રિજનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું. હેકર્સનો મુખ્ય ઇરાદો ફ્રિજને ઓવન બનાવવાનો હતો.
કંપનીઓના તમામ પ્રયાસો છતાં આખી રેફ્રિજરેશન સિસ્ટમ લગભગ 6 કલાક સુધી હેકર્સના નિયંત્રણમાં રહી. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ કંપનીઓએ ખરાબ થયેલા ખાદ્યપદાર્થોનો જથ્થો કચરામાં ફેંકી દેવો પડ્યો. ડેનમાર્કની કંપની ડેનફોસે સ્પષ્ટતા કરી છે કે જૂના ફર્મવેર વર્ઝન પર ચાલતા ફ્રિજને જ નિશાન બનાવવામાં આવ્યા છે અને તેમણે ગ્રાહકોને સુરક્ષા અપડેટ્સ માટે પહેલેથી ચેતવણી આપી હતી.