સત્ય. સાહસ. સંકલ્પ.

યુરોપમાં સુપરમાર્કેટના ફ્રીઝર હેક: 6 દેશોમાં તાપમાન 50°C સુધી પહોંચ્યું, ટનબંધ ખોરાક બગડ્યો

યુરોપમાં સુપરમાર્કેટના ફ્રીઝર હેક: 6 દેશોમાં તાપમાન 50°C સુધી પહોંચ્યું, ટનબંધ ખોરાક બગડ્યો

યુરોપના છ દેશોમાં સુપરમાર્કેટના ફ્રીઝર અને રેફ્રિજરેટરને હેક કરીને તેમનું તાપમાન વધારી દેવામાં આવ્યું છે, જેના કારણે ટનબંધ ખાદ્યસામગ્રી બગડી ગઈ છે. સ્વીડન, ફિનલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, આયર્લેન્ડ અને એસ્ટોનિયાના સ્ટોર્સમાં આ ઘટનાઓ બની હતી. સ્વીડન અને એસ્ટોનિયામાં કેટલાક ફ્રીઝરનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડી દેવાયું હતું. આ હુમલાઓને કારણે સુપરમાર્કેટ્સને મોટા પ્રમાણમાં ખોરાક ફેંકી દેવો પડ્યો હતો.

ઓક્ટોબરના મધ્યમાં ફ્રાન્સમાં પણ આ પ્રકારનો સાયબર હુમલો થયો હતો, જેમાં અંદાજે 350થી 700 સ્ટોર્સને અસર થઈ હતી. અમેરિકામાં પણ ઓગસ્ટમાં લશ્કરી મથકો પર ફ્રીઝર ખરાબ થવાની ઘટનાઓને પેન્ટાગોન સંભવિત સાયબર હુમલા તરીકે જોઈ રહ્યું છે.

સુપરમાર્કેટના ફ્રીઝર અને ચિલરનું તાપમાન નિયંત્રિત કરવા માટે ખાસ કન્ટ્રોલરનો ઉપયોગ થાય છે. આ નાનકડું કમ્પ્યુટર ફ્રીઝરનું તાપમાન જાળવી રાખે છે. પહેલાં આ સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી હતી કે ટેક્નિશિયન સ્ટોર પર જઈને તેમાં ફેરફાર કરી શકે. જોકે, હવે અનેક રિટેલ કંપનીઓએ તેને ઇન્ટરનેટ સાથે જોડી દીધી છે, જેથી દૂરથી પણ તાપમાનનું નિયંત્રણ કરી શકાય.

સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવી ઘણી સિસ્ટમ જૂના સોફ્ટવેર અને નબળા પાસવર્ડ પર ચાલી રહી છે. કેટલીક સિસ્ટમ સ્ટોરના આંતરિક નેટવર્ક સુધી મર્યાદિત રહેવાને બદલે ખુલ્લા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પરિણામે હેકર્સ સરળતાથી તેને શોધી શકે છે. ફ્રાન્સમાં થયેલા હુમલાથી અસરગ્રસ્ત મોટાભાગની સિસ્ટમ જૂના મોડલની હતી, જેને હવે સોફ્ટવેર અપડેટ મળતું નથી. આવી ખામીઓ દૂર કરવા માટે સુરક્ષા અપડેટ ઉપલબ્ધ ન હોવાથી તેને હેક કરવાનું વધુ સરળ બને છે.

આ હુમલાઓમાં અત્યાર સુધી હેકર્સે પૈસાની માગ કરી નથી. સામાન્ય રીતે આવા સાયબર હુમલા ખંડણી, રાજકીય હેતુ અથવા કોઈ દેશના ઇશારે કરવામાં આવે છે. જોકે, આ કિસ્સામાં નાણાંની માગ ન થતાં નિષ્ણાતો તેને તોડફોડની પ્રવૃત્તિ માની રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સુપરમાર્કેટ્સમાં ફ્રીઝર કન્ટ્રોલર, બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, દરવાજાના લોક અને પેમેન્ટ સિસ્ટમ સહિત અનેક ઉપકરણો હોય છે. આથી રિટેલ ચેઇન હેકર્સ માટે સરળ નિશાન બની શકે છે. યુરોપિયન યુનિયનના કૃષિ કમિશનર ક્રિસ્ટોફ હેન્સને આ ઘટનાઓને ખાદ્ય પુરવઠાની વ્યવસ્થાને ખોરવવાનો અને ગ્રાહકોનો વિશ્વાસ નબળો પાડવાનો જાણીજોઈને કરાયેલો પ્રયાસ ગણાવ્યો છે.

સાયબર સુરક્ષા નિષ્ણાતો માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી આવા હુમલાઓ વધુ ઝડપી અને ઓછા ખર્ચે થઈ શકે છે. AIની મદદથી હેકર્સ ઇન્ટરનેટ પર ખુલ્લી સિસ્ટમ શોધી શકે છે, સોફ્ટવેરની ખામીઓ શોધી શકે છે અને હુમલાની પ્રક્રિયાને મોટા પાયે આગળ વધારી શકે છે. જોકે, યુરોપમાં થયેલા તાજેતરના હુમલામાં AIનો ઉપયોગ થયો હતો કે નહીં તેની તપાસ એજન્સીઓએ પુષ્ટિ કરી નથી.

2 નવેમ્બરના હુમલાની જવાબદારી કોઈ હેકર જૂથે સ્વીકારી નથી. આ હુમલાઓનો ફ્રાન્સમાં ઓક્ટોબરમાં થયેલા હુમલા સાથે સંબંધ છે કે નહીં તે પણ સ્પષ્ટ થયું નથી. ફોરસ્કાઉટના જણાવ્યા અનુસાર, આ વર્ષે રેફ્રિજરેશન સિસ્ટમ પર 20થી વધુ હુમલાની પુષ્ટિ થઈ છે. તેમાંથી ઘણા હુમલા રશિયા સમર્થિત હેકર જૂથો સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તાજેતરના હુમલા પાછળ કોણ છે તે હજુ નક્કી થયું નથી.