સત્ય. સાહસ. સંકલ્પ.

ફ્રાન્સ, જર્મની અને પોર્ટુગલમાં મોંઘવારી વિરુદ્ધ લાખો લોકો સડકો પર

ફ્રાન્સ, જર્મની અને પોર્ટુગલમાં મોંઘવારી વિરુદ્ધ લાખો લોકો સડકો પર

પેરિસ: મોંઘવારી અને શિક્ષણના મુદ્દે ફ્રાન્સમાં સતત ત્રીજા સપ્તાહાંતે દેખાવો થયા છે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની પ્રેરણાથી શનિવારે સમગ્ર ફ્રાન્સમાં લાખો દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જર્મની અને પોર્ટુગલમાં પણ યુવાનોના નેતૃત્વમાં દેખાવો થયા હતા.

ફ્રાન્સમાં આ સપ્તાહાંતના દેખાવો એકંદરે શાંતિપૂર્ણ રહ્યા હતા. દેખાવકારો હેલોવીનની રંગબેરંગી વેશભૂષામાં હતા, જેના કારણે માહોલ હળવો રહ્યો હતો. જોકે, પેરિસ અને અન્ય શહેરોમાં દેખાવોના અંતે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા અને કેટલાક નાના જૂથોએ અમુક સ્થળોએ આગ પણ ચાંપી હતી.

ફ્રાન્સના ગૃહ પ્રધાન લોરેન્ટ નુનેઝે અશાંતિનું ઊંચું જોખમ હોવાની ચેતવણી આપી હતી, ખાસ કરીને હેલોવીનની રાત્રે. તેના પગલે સમગ્ર દેશમાં 70,000 સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

ફ્રાન્સ સરકારના અંદાજ મુજબ શનિવારે સમગ્ર દેશમાં 3,20,000 લોકોએ દેખાવોમાં ભાગ લીધો હતો. આ સંખ્યા અગાઉના દેખાવો કરતાં ઓછી છે, પણ હજી ઘણી મોટી છે. સરકારી આંકડા મુજબ 17 ઓક્ટોબરના દેખાવોમાં 5,50,000 લોકો જોડાયા હતા, જ્યારે 24 ઓક્ટોબરે 4,10,000 લોકો સામેલ થયા હતા.

જર્મનીમાં 'જેન ઝેડ રિગલેન્ટ' (જેન ઝેડ સંભાળી લેશે) નામના સંગઠનના યુવાનોના જૂથે 30થી વધુ શહેરોમાં રેલીઓનું આયોજન કર્યું હતું. તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય, જળવાયુ સંરક્ષણ અને સસ્તા જીવનની માંગ કરી હતી, તેમજ સૈન્ય ભરતી ફરી લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. આયોજકોએ જણાવ્યું કે દેશભરમાં યોજાયેલા દેખાવોમાં હજારો લોકોએ ભાગ લીધો હતો, જોકે સત્તાવાર આંકડા તાત્કાલિક ઉપલબ્ધ ન હતા.

પોર્ટુગલમાં વધતી રહેણાંક સમસ્યા વિરુદ્ધ હજારો લોકોના દેખાવો પછી રવિવારે લિસ્બન અને પોટોમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. દેખાવકારો સરકાર પાસે ભાડા સંબંધિત કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ કાયદાને કારણે દેશની રહેણાંક સમસ્યા વધુ ગંભીર બનશે.