યુરોપના પોર્ટુગલ, ફ્રાન્સ, ઇટાલી અને બેલ્જિયમ સહિતના દેશોમાં આવાસ કટોકટી વકરી છે. મોંઘવારી, ઊંચા ભાડા અને સરકારી સેવાઓના અભાવે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. 2017 પછી પોર્ટુગલમાં ઘરના ભાવ બમણા થયા છે, જ્યારે 2015 પછી યુરોપમાં મકાનો 60% મોંઘા થયા છે. પરિણામે, 17 ઓક્ટોબરે હજારો લોકો વિરોધ પ્રદર્શનો માટે રસ્તા પર ઉતરી આવ્યા. ફ્રાન્સમાં 5.5 લાખ લોકો જોડાયા, જેમાં હિંસા પણ થઈ.
યુરોપિયન યુનિયનના સત્તાવાર આંકડા અનુસાર, 2026 ના બીજા ક્વાર્ટરમાં ગત વર્ષની સરખામણીએ ઘરોની કિંમતોમાં 4.7 ટકા અને ભાડામાં 3 ટકાનો વધારો નોંધાયો છે. આને કારણે સસ્તું અને પરવડે તેવું આવાસ ઉપલબ્ધ કરાવવું સરકારો માટે મોટી કસોટી બની ગયું છે.
પોર્ટુગલમાં રહેઠાણની કટોકટી સૌથી ગંભીર સ્વરૂપે જોવા મળી રહી છે. રાજધાની લિસ્બન સહિતના મોટા શહેરોમાં 17 ઓક્ટોબરના રોજ હજારો નાગરિકો મોંઘવારી, ઓછા પગાર અને મોંઘા મકાનો સામે વિરોધ નોંધાવવા શેરીઓમાં ઉમટી પડ્યા હતા. ઘણા પ્રદર્શનકારીઓએ ઘરની અછત અને ઊંચા ભાડા સામે વિરોધ દર્શાવવા જાહેર સ્થળો પર તંબુ લગાવી દીધા હતા. 2017 પછી પોર્ટુગલમાં ઘરોના ભાવ બમણાથી પણ વધુ થઈ ચૂક્યા છે અને નવા કરારોમાં ભાડા પણ તેટલા જ વધ્યા છે, જેનાથી સામાન્ય પગારદાર પરિવારો અને યુવાનો માટે શહેરમાં રહેવું મુશ્કેલ બન્યું છે.
ફ્રાન્સમાં પણ 17 ઓક્ટોબરે આક્રોશ ફાટી નીકળ્યો હતો, જ્યાં આશરે 5.5 લાખ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા. શરૂઆતમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થા અને સુવિધાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ બાદમાં મોંઘવારી, સરકારી બજેટમાં કાપ અને નબળી સેવાઓનો વિરોધ પણ તેમાં ભળી ગયો. અનેક શહેરોમાં આ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં તોડફોડ અને પોલીસ સાથે ભારે ઘર્ષણની ઘટનાઓ બની હતી.
ઇટાલીના મિલાન, બોલોનિયા અને ટ્યુરિન જેવા ઔદ્યોગિક શહેરો ઉપરાંત બેલ્જિયમમાં પણ લોકો ખર્ચમાં થયેલા વધારા સામે મેદાનમાં આવ્યા છે. લોકો પોતાના ઘરના બજેટ, કમરતોડ યુટિલિટી બિલ અને મોંઘા ભાડા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. મોટા શહેરોમાં રોજગાર માટે આવતા યુવાનો માટે ઘર શોધવું સૌથી મોટો પડકાર બની ગયો છે.
યુરોપિયન યુનિયનની કાઉન્સિલના ડેટા મુજબ, 2015 પછીથી યુરોપિયન દેશોમાં ઘરોની કિંમતોમાં સરેરાશ 60 ટકા જેટલો જંગી ઉછાળો આવ્યો છે. કેટલાક દેશોમાં આ વધારો તેનાથી પણ વધુ રહ્યો છે. પરિવારની આવકનો મોટો હિસ્સો મકાનના હપ્તા કે ભાડું ભરવામાં જ વપરાઈ જતો હોવાથી લોકો માટે સમયસર ચુકવણી કરવી મુશ્કેલ બની રહી છે.
આ આવાસ સંકટની સીધી અસર માત્ર ઘર ખરીદવા માગતા લોકો પૂરતી મર્યાદિત નથી, પરંતુ નોકરીની શોધમાં નીકળેલા યુવાનો, ઓછા વેતનવાળા કર્મચારીઓ અને નાના બાળકો ધરાવતા પરિવારો સૌથી વધુ પીડાઈ રહ્યા છે. આવકની સામે ઘરનું ભાડું ખૂબ ઝડપથી વધી જતાં પરિવારો પાસે ભોજન, સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય મૂળભૂત જરૂરિયાતો પાછળ ખર્ચ કરવા માટે બચત ઘટતી જાય છે.