સત્ય. સાહસ. સંકલ્પ.

યુરોપમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી 50,391 મોત, 32,619 મોત પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર

યુરોપમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી 50,391 મોત, 32,619 મોત પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર

નેચર હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ વર્ષે યુરોપમાં ઉનાળા દરમિયાન 854 શહેરોમાં હીટવેવના કારણે 50,391 લોકોનાં મોત થયાં છે. આ આંકડો 2000ના વર્ષથી અત્યાર સુધીનો સૌથી ઊંચો છે. અહેવાલમાં જણાવાયું છે કે આ મૃત્યુમાંથી 32,619 લોકોનાં મોત પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે.

2022ના ઉનાળામાં યુરોપમાં 29,480 લોકોનાં મોત થયાં હતાં, જે સામે આ વર્ષે 71 ટકાનો વધારો નોંધાયો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર આ આંકડો માત્ર શહેરોનો છે, તેથી વાસ્તવિક મૃત્યુઆંક આનાથી પણ વધુ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કુલ મૃત્યુમાંથી ત્રીજા ભાગનાં મોત 17 જૂનથી 1 જુલાઈ વચ્ચેના માત્ર બે અઠવાડિયામાં નોંધાયાં હતાં. જૂન અને જુલાઈ મહિનામાં તાપમાન સરેરાશથી 5.3 ડિગ્રી વધુ હતું, અને કેટલાક શહેરોમાં તો તે 12 ડિગ્રી સુધી ઊંચું ગયું હતું. ઈટાલી, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીમાં સૌથી વધુ અસર જોવા મળી હતી.

વયોવૃદ્ધો માટે આ ઉનાળો ખાસ કરીને ઘાતક સાબિત થયો હતો. મૃતકોમાં 50 ટકાથી વધુ લોકો 85 વર્ષથી વધુ વયના હતા, જ્યારે 20થી 44 વર્ષની વયના 800થી વધુ યુવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો.

ઈમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકોએ કમ્પ્યુટર મોડેલની મદદથી સાબિત કર્યું છે કે ક્લાઈમેટ ચેન્જ ન હોત તો આટલા લોકોનાં મોત થયાં ન હોત. 2000ના દાયકામાં ગ્લોબલ વોર્મિંગને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ 45 ટકા હતું, જે હવે વધીને 65 ટકા થયું છે.

યુરોપ પ્રી-ઈન્ડસ્ટ્રિયલ યુગની સરખામણીએ 2.5 ડિગ્રી વધુ ગરમ થઈ ગયું છે અને તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આટલી આકરી ગરમી સહન કરવા સક્ષમ નથી. નિષ્ણાતોના મતે માત્ર કૂલિંગ સિસ્ટમ કે અનુકૂલન દ્વારા સમસ્યા હલ નહીં થાય; કોલસો, તેલ અને ગેસનો વપરાશ તાત્કાલિક ઘટાડવો પડશે.