સત્ય. સાહસ. સંકલ્પ.

યુરોપમાં ગેસ અને અનાજની કટોકટી: યુદ્ધ અને ગરમીએ વધારી મુશ્કેલી

યુરોપમાં ગેસ અને અનાજની કટોકટી: યુદ્ધ અને ગરમીએ વધારી મુશ્કેલી

યુરોપ માટે ૨૦૨૬નું વર્ષ પડકારજનક રહ્યું છે. ગરમીએ અગાઉના રેકોર્ડ તોડ્યા અને ઘણી નદીઓ સૂકાઈ ગઈ. વરસાદ પણ પૂરતો ન થયો, જેથી ખેત ઉત્પાદનો પર અસર પડી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ સાડા ચાર વર્ષથી ચાલી રહ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીના અંતે અમેરિકા-ઈરાન-ઈઝરાયલ વચ્ચે ત્રિપાંખિયું યુદ્ધ શરૂ થયું. આ બંને યુદ્ધોની અસર સમગ્ર વિશ્વમાં થઈ છે.

યુક્રેન-રશિયા યુદ્ધના કારણે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાગ્યા. યુરોપિયન યુનિયને પણ રશિયા પર નિયંત્રણો મૂક્યા, જેથી રશિયન ચીજવસ્તુઓની આયાત બંધ થઈ. તેમાં સૌથી મહત્ત્વની આયાત ગેસની હતી. રશિયા પર પ્રતિબંધનો નિર્ણય યુરોપના દેશોને ભારે પડ્યો.

રશિયાએ ભારત અને ચીન જેવા દેશોમાં ક્રૂડ-ગેસની નિકાસ કરીને વૈકલ્પિક બજાર શોધી લીધું. પરંતુ યુરોપને રશિયન ગેસના વિકલ્પે જે ગેસ મળે છે તે મોંઘો પડે છે. રશિયાના વિકલ્પે અમેરિકન કંપનીઓ યુરોપમાં ગેસ સપ્લાય કરે છે, જેથી પરિવહન ખર્ચ વધી જાય છે. પહેલાં રશિયા પાઇપલાઇન મારફતે જર્મની સુધી ગેસ પહોંચાડતું હતું, જેથી ભાવ નિયંત્રણમાં રહેતા હતા.

અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો, જેના પગલે હોર્મુઝની ખાડીમાંથી થતો વેપાર પ્રભાવિત થયો. વિશ્વમાં કુદરતી ગેસ અને ઓઇલની સપ્લાયમાંથી ૨૦ ટકા વેપાર હોર્મુઝની ખાડીમાંથી થાય છે. આ માર્ગેથી દરરોજ ક્રૂડના ૨ કરોડ બેરલ વિશ્વના ખૂણે ખૂણે પહોંચતા હતા. યુદ્ધમાં હોર્મુઝની ખાડી બંધ થઈ, જેથી કંપનીઓએ લાંબા રસ્તેથી વેપાર શરૂ કર્યો. પરિણામે ગેસ અને ક્રૂડના ભાવ વધ્યા.

યુદ્ધ દરમિયાન અમેરિકા-ઈઝરાયલે ઈરાનની ઇમારતોને નિશાન બનાવી, જેથી ઈરાને વળતા હુમલા કરીને મધ્ય પૂર્વમાં અમેરિકાના સહયોગી દેશોના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું. મોટી પેટ્રોલિયમ કંપનીઓના ઉત્પાદન એકમો આગમાં ખાક થયા. કેટલીક રિફાઇનરીઝ પર હુમલા થયા, જેથી ઉત્પાદન બંધ પડ્યું. ઘણી રિફાઇનરીઝે સુરક્ષાના કારણોસર ઉત્પાદન બંધ કરી દીધું. કંપનીઓએ ગેસનો જથ્થો નિકાસ કરવાનું માંડી વાળ્યું, કારણ કે દરિયાઈ જોખમ ખેડીને કરોડોનું નુકસાન વેઠવાની તૈયારી ન હતી. લાંબા રસ્તે ગેસ મોકલવાનો ખર્ચ વધે એવી ભીતિ હતી. ખરીદનાર અને વેચનાર કંપનીઓ વચ્ચે ભાવમાં તફાવતને લઈને સહમતી ન બની, જેથી અમુક જથ્થો અટકી પડ્યો. સરવાળે ઈરાન યુદ્ધ શરૂ થતાં જ ક્રૂડના સંકટની ભીતિ સાચી પડી.

વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઈરાન યુદ્ધ પછી જબરો ઉછાળો આવ્યો. ગેસનો જથ્થો ઘટી જવાના ડરથી એશિયન દેશોમાં પણ માંગ વધી ગઈ. આવા અનિશ્ચિત માહોલમાં એશિયા અને યુરોપના દેશો વચ્ચે ગેસ ખરીદવાની હોડ જામી ગઈ. ૨૦૨૦ પછી પહેલી વખત યુરોપના રિઝર્વ ગેસના જથ્થામાં ૧૫થી ૧૮ ટકાનું ગાબડું પડ્યું.

અત્યારે યુરોપમાં ટ્રાન્ઝિટ મોસમ છે. ઓક્ટોબરથી શિયાળાનું આગમન થશે, જેથી ઘર અને ઓફિસોમાં ગરમાવા માટે ગેસની માંગ વધી જશે. નવેમ્બરથી માર્ચ સુધી શિયાળો રહે છે, એટલે અત્યારથી જ દેશો ગેસનો રિઝર્વ જથ્થો સરભર કરે છે. પરંતુ આ વર્ષે ધારણા પ્રમાણેનો સ્ટોક થયો નથી, જેથી ભાવમાં વધારો નોંધાયો છે. અંદાજ છે કે યુરોપમાં આગામી મહિનાઓમાં ગેસનો ભાવ ૪૦ ટકા સુધી વધી શકે છે. જો યુદ્ધ લાંબું ખેંચાશે તો વર્ષના અંતે આ વધારો ૪૪ ટકા સુધી પણ પહોંચી શકે છે.