સત્ય. સાહસ. સંકલ્પ.

યુરોપમાં 12થી વધુ શહેરોમાં વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ મળ્યું નહીં

યુરોપમાં 12થી વધુ શહેરોમાં વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ મળ્યું નહીં

યુરોપમાં ગુરુવારે કોપનહેગન, ડબલિન, હેલસિન્કી, મેડ્રિડ, મિલાન અને વોરસો સહિત એક ડઝનથી વધુ શહેરોમાં વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. આ ધમકીઓને પગલે અનેક ફ્લાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી અથવા ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જોકે, દરેક વિમાનની સઘન તપાસ બાદ કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આ ધમકીઓ અફવા હોવાનું જણાયું છે, પરંતુ તેના કારણે હજારો પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ચેક ગણરાજ્યની પોલીસે જણાવ્યું કે, ચાર વિમાનોને પ્રાગમાં ઉતારવામાં આવ્યા અને તેમની તલાશી લેવાઈ. જોકે, સરકારે આ અંગે વધુ વિગતો જાહેર કરી નથી.

ફિનલેન્ડની એરલાઈન ફિનએરે જણાવ્યું કે, હેલસિન્કીથી રોમ જઈ રહેલી ફ્લાઈટ 1761ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. તેમ છતાં વિમાને ઈટાલીની રાજધાની રોમમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું. વિમાનની સંપૂર્ણ તલાશી લેવાઈ, પરંતુ તપાસ ટુકડીને કંઈ શંકાસ્પદ મળ્યું નહીં.

બલ્ગેરિયા જઈ રહેલી રેનએરની ત્રણ ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કોપનહેગનથી સોફિયા જઈ રહેલી એક ફ્લાઈટ અને મેડ્રિડથી રવાના થયેલી બીજી ફ્લાઈટે સોફિયાના વાસિલ લેવ્સ્કી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. ફ્રાન્સમાં એક વિમાનને એસ્કોર્ટ કરીને ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ આવી જ ધમકીઓ મળી હતી, જે પાછળથી અફવા હોવાનું જણાયું હતું. યુરોપમાં તાજેતરના સમયમાં વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓની સંખ્યા વધી રહી છે.

આ સાથે જ સુપરમાર્કેટની રેફ્રિજરેશન સિસ્ટમ પર સાયબર હુમલો, ડ્રોનની ઘૂસણખોરી અને વિવિધ એપ્સમાં આવેલા રહસ્યમય એલર્ટે યુરોપના લોકોમાં ચિંતા વધારી છે. આ પહેલાં અધિકારીઓએ રશિયા સામે યુક્રેનની લડાઈના પગલે યુરોપના લોકોને હાઈબ્રિડ હુમલાની ચેતવણી આપી હતી. આ ઘટનાઓને તે સંદર્ભમાં જોવામાં આવી રહી છે, જોકે આ ધમકીઓ કોણે મોકલી તે અંગે હજુ સત્તાવાર રીતે કંઈ જાહેર થયું નથી.