યુક્રેન પર રશિયા સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓને લઈને યુરોપિયન યુનિયન (EU)એ ચિંતા વ્યક્ત કરી છે. EUના વિદેશ નીતિ પ્રમુખ કાજા કલ્લાસે કહ્યું છે કે શિયાળો શરૂ થાય તે પહેલાં યુક્રેનને તાત્કાલિક એર ડિફેન્સની જરૂર છે.
તેમણે એ સભ્ય દેશોને વિનંતી કરી છે, જેમની પાસે વધારાના પેટ્રિઅટ ઈન્ટરસેપ્ટર ઉપલબ્ધ છે. કલ્લાસે કહ્યું કે આ દેશો પોતાના ભંડારમાંથી આ સિસ્ટમ શક્ય તેટલી વહેલી તકે યુક્રેન મોકલે, જેથી નિર્દોષ નાગરિકોનું રક્ષણ થઈ શકે.
કાજા કલ્લાસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે સભ્ય દેશો વચ્ચે યુરોપિયન પીસ ફેસિલિટીના 6.6 અબજ યુરોના ફંડની વહેંચણી અંગે સમજૂતી થઈ છે. આ નિર્ણયથી સંરક્ષણ સાધનોની ખરીદી માટે ઓછામાં ઓછું 1 અબજ યુરોનું નવું ફંડ ઉપલબ્ધ થશે. આ મદદથી યુરોપિયન દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ મજબૂત બનશે અને યુક્રેનને મળતી સુરક્ષા સહાયમાં પણ વધારો થશે.
યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ જણાવ્યું કે રવિવારે દેશના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી એર સ્ટ્રાઈકના સાયરન વાગતા રહ્યા. એક એલર્ટ 9 કલાકથી પણ વધુ સમય ચાલ્યો. રવિવારથી શરૂ થયેલો હુમલાઓનો સિલસિલો સોમવાર સવાર સુધી યુક્રેનના વિવિધ શહેરોમાં ચાલુ રહ્યો.
સિબિહાએ કહ્યું કે નાગરિકોના જીવ બચાવવા માટે યુક્રેનને તાત્કાલિક મજબૂત એર ડિફેન્સ અને રશિયા પર આંતરરાષ્ટ્રીય દબાણની જરૂર છે. રશિયાના તાજેતરના હુમલાઓમાં રાજધાની કિવમાં 2 કિન્ડરગાર્ટન, 2 શાળાઓ અને 1 રહેણાંક ઈમારતને નુકસાન થયું છે. સાઉદી અરેબિયાના રાજદૂતના નિવાસસ્થાન તરીકે વપરાતી ઈમારત, નિપ્રોમાં સ્પોર્ટ્સ સ્કૂલ અને સુમીમાં ચિલ્ડ્રન્સ હોમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
કિવમાં રશિયાએ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસની ઐતિહાસિક ઈમારત પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે આખી ઈમારતમાં ભીષણ આગ લાગી. રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવવાની સાથે કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી રહ્યા છે અને તમામ ઈમરજન્સી સેવાઓ તૈનાત કરવામાં આવી છે.
ખાર્કિવમાં 9 માળની રહેણાંક ઈમારત પર થયેલા હુમલામાં 9 બાળકો સહિત ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા છે. કિવમાં થયેલા ડ્રોન હુમલામાં જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘરોને નુકસાન થયું, 4 લોકો ઘાયલ થયા અને કિવ વિસ્તારમાં 2 નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે.