સત્ય. સાહસ. સંકલ્પ.

ડીઝલ નિકાસ પ્રતિબંધની ટ્રમ્પની ધમકી EUએ ફગાવી, કહ્યું- વિશ્વાસ તૂટશે

ડીઝલ નિકાસ પ્રતિબંધની ટ્રમ્પની ધમકી EUએ ફગાવી, કહ્યું- વિશ્વાસ તૂટશે

યુરોપિયન યુનિયન (EU)એ 2 ઓક્ટોબરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને ફગાવી દીધી છે. ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી હતી કે, જો યુરોપ પોતાનો ડીઝલનો અનામત જથ્થો (ડીઝલ રિઝર્વ) જાહેર નહીં કરે, તો અમેરિકા ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે.

યુરોપિયન કમિશનના પ્રવક્તા અન્ના-કેસા ઇટકોનેને આ અંગે કહ્યું, 'અમે કોઈપણ ડીઝલ પ્રતિબંધને સંપૂર્ણપણે અસ્વીકાર કરીએ છીએ. આવો પ્રતિબંધ કોઈના માટે ફાયદાકારક રહેશે નહીં. આનાથી એક વિશ્વસનીય ભાગીદાર તરીકે અમેરિકા પરનો અમારો વિશ્વાસ નબળો પડશે.'

ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમેરિકામાં પણ ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે, જેનાથી સામાન્ય લોકો પર બોજ વધ્યો છે. નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પર દબાણ વધી રહ્યું છે. આ સંજોગોમાં ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે, ડીઝલના ભાવ કાબૂમાં લેવા માટે અમેરિકા યુરોપિયન દેશોને ડીઝલ રિઝર્વ જાહેર કરવા કહી શકે છે, અને જો તેમ ન થાય તો નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. આ પહેલાં અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે પણ યુરોપિયન દેશોને ડીઝલ ભંડાર જાહેર કરવા કહ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ, ટ્રમ્પ ઈચ્છે છે કે યુરોપિયન દેશો આગામી 6 મહિનામાં લગભગ 12 કરોડ બેરલ ડીઝલ જાહેર કરે.

યુરોપિયન યુનિયન ડીઝલની આયાત માટે અમેરિકા પર ઘણું નિર્ભર છે. ઓગસ્ટમાં અમેરિકાએ યુરોપિયન યુનિયનની ડીઝલ આયાતના લગભગ અડધા હિસ્સાનો સપ્લાય કર્યો હતો. ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે યુરોપમાં પણ ડીઝલની સરેરાશ કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ચૂકી છે, જેનાથી અનેક ક્ષેત્રો પર દબાણ વધ્યું છે. જો અમેરિકા નિકાસ પર પ્રતિબંધ મૂકે તો યુરોપમાં ડીઝલની અછત સર્જાઈ શકે અને ભાવ વધુ વધી શકે. એક સમયે યુરોપિયન યુનિયનના દેશો રશિયા પાસેથી મોટી માત્રામાં ડીઝલ આયાત કરતા હતા, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ પછી 2023માં યુરોપિયન યુનિયને રશિયાથી ડીઝલ આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. આથી હવે યુરોપ ડીઝલ માટે અમેરિકા પર નિર્ભર છે.