સત્ય. સાહસ. સંકલ્પ.

ઇથોપિયામાં બંધક બનેલા ઉત્તર ગુજરાતના ત્રણ યુવાનો મુક્ત, મુંબઈ પહોંચ્યા

ઇથોપિયામાં બંધક બનેલા ઉત્તર ગુજરાતના ત્રણ યુવાનો મુક્ત, મુંબઈ પહોંચ્યા

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લાલચમાં એજન્ટોની જાળમાં ફસાયેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણ યુવાનો ઇથોપિયામાંથી સહીસલામત ભારત પરત ફર્યા છે. ઇથોપિયામાં એજન્ટોએ તેમને બંધક બનાવીને પરિવારજનો પાસે રૂ. 1 કરોડની ખંડણી માંગી હતી. જોકે, ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રયાસોથી ખંડણી ચૂકવ્યા વગર જ ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા હતા.

આજે (1 ઓક્ટોબર) વહેલી સવારે ત્રણેય મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. મહેસાણાના વડસ્મા ગામના ઋત્વિક જનસારી, ગોઝારિયા ગામની મમતા ચાવડા અને ગાંધીનગરની મયુરી મુંબઈ એરપોર્ટ આવી પહોંચતાં વડસ્મા ખાતે રહેતા તેમના પરિવારજનો તેમને લેવા મુંબઈ પહોંચ્યા હતા. ત્રણેય આજે ઘરે આવશે.

મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, મહેસાણા પોલીસ સતત ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંપર્કમાં હતી અને જરૂરી દસ્તાવેજો મોકલીને સચોટ સંકલન સાધવામાં આવ્યું હતું. અપહરણકારોના ફોન પર પરિવારજનોને સાથે રાખી સીધી વાતચીત કરવામાં આવી હતી. ભારતીય તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કાયદાની ભાષા સમજાવી તેમજ પરિવારની આર્થિક સ્થિતિ જણાવીને અપહરણકારો પર રાજદ્વારી દબાણ ઊભું કર્યું હતું. આ સમયસૂચકતાના પરિણામે અપહરણકારો ખંડણીની રકમ લીધા વગર જ યુવાનોને મુક્ત કરવા મજબૂર બન્યા હતા.

બુધવારે રાત્રે ઇથોપિયાથી ફ્લાઇટમાં બેસીને ગુરુવારે વહેલી સવારે 3 વાગ્યે ત્રણેય લોકો મુંબઈ એરપોર્ટ પર સહીસલામત ઉતરી જતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ, ત્રણેયને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી મોતના મુખમાં ધકેલનારી બોગસ સિન્ડિકેટ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લાંઘણજ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા વડોદરા અને મહેસાણાના સ્થાનિક એજન્ટો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માનવ તસ્કરી આચરતા એજન્ટોનું નેટવર્ક તોડી પાડવા માટે પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે.

અગાઉ, બે દિવસ પહેલાં માતા-પિતાએ રડતા રડતા મદદ માગી હતી. મહેસાણાના વડસ્મા ગામનો ઋત્વિક જનસારી, ગોઝારિયાની યુવતી મમતા ચાવડા તથા ગાંધીનગરની મયુરી કૌટુંબિક સગાં થાય છે. ત્રણેય કડીના ડાંગરવા ગામના સ્થાનિક એજન્ટ અલ્પેશની મદદથી અમેરિકા જવા નીકળ્યા હતા.

સ્થાનિક એજન્ટે મુખ્ય એજન્ટના ભરોસે ત્રણેયને જયપુરથી એતિહાદની ફ્લાઇટમાં અબુધાબી મોકલ્યા. ત્યાંથી તેઓ ઇથોપિયાની રાજધાની એડીસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા GSF કેમ્પમાં રોકાયા, જ્યાં 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધીના મહિનાના ઈ-વિઝા લીધા. આ સમયમાં પરિવારજનો પાસે સ્થાનિક એજન્ટે ટુકડે ટુકડે 70 લાખ મેળવી લઈ ત્રણેય કેનેડા પહોંચી ગયા હોવાનું જણાવ્યું. ત્યારબાદ 'હવે કેનેડાથી અમેરિકા જવા નીકળે છે' તેમ કહ્યા બાદ અચાનક ત્રણેયનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.