સત્ય. સાહસ. સંકલ્પ.

ઓક્ટોબર 2026માં 100% ઇથેનોલ કાર લોન્ચ થશે: નીતિન ગડકરી

ઓક્ટોબર 2026માં 100% ઇથેનોલ કાર લોન્ચ થશે: નીતિન ગડકરી

નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઓક્ટોબર 2026માં 100% ઇથેનોલથી ચાલતી ટોયોટા ઇનોવા કાર ભારતીય બજારમાં લોન્ચ થશે. તેમના જણાવ્યા અનુસાર, આ કાર ચલાવવાનો ખર્ચ પેટ્રોલ કરતાં ઘટીને લગભગ 25 રૂપિયા પ્રતિ લિટર થશે. સરકારના આ પગલાથી વિદેશી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણને અનુકૂળ ઇંધણને પ્રોત્સાહન મળશે.

ગડકરીએ કહ્યું કે તેમને ટોયોટાની આ 100% ફ્લેક્સ-ફ્યુઅલ ઇનોવાના લોન્ચિંગ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. આ વાહન સંપૂર્ણપણે શુદ્ધ ઇથેનોલ પર ચલાવવા માટે ડિઝાઇન કરાયું છે. ખર્ચ સસ્તો થવાનું કારણ એ છે કે બજારમાં ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં ઘણી ઓછી છે. ઉપરાંત, કારમાં અત્યાધુનિક સ્ટ્રોંગ-હાઇબ્રિડ સિસ્ટમ પણ છે, જે ચાલતી વખતે પોતાની 60 ટકા જેટલી ઊર્જા જાતે ઉત્પન્ન કરે છે. આ ટેકનોલોજીને કારણે કાર લગભગ 40 ટકા અંતર માત્ર ઇલેક્ટ્રિક મોડમાં કાપી શકે છે. સસ્તા ઇથેનોલ અને ઇલેક્ટ્રિક મોટરના સંયોજનથી ઇંધણની કાર્યક્ષમતા વધે છે અને એકંદર ચાલવાનો ખર્ચ પેટ્રોલ કરતાં 25 રૂપિયા પ્રતિ લિટર સસ્તો પડે છે.

દેશમાં પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ ભેળવવાની (E20 પેટ્રોલ) ચર્ચા ચાલી રહી છે. ઘણા વાહનચાલકોમાં ગેરસમજ છે કે તેનાથી માઇલેજ ઘટે છે અને એન્જિનના ભાગોને નુકસાન થાય છે. આ મુદ્દે ગડકરીએ કહ્યું કે વિશ્વના લગભગ 19 દેશોમાં ઇથેનોલનો ઇંધણ તરીકે સફળ ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં પણ ઇથેનોલના ઉપયોગથી એન્જિનને નુકસાન થયાની કોઈ સત્તાવાર ફરિયાદ નથી. સરકારી પ્રયોગશાળાઓના અભ્યાસ અને પરીક્ષણોમાં ઇથેનોલ-મિશ્રિત ઇંધણ વાહનો માટે સલામત અને એન્જિન-ફ્રેન્ડલી હોવાનું સાબિત થયું છે.

નીતિન ગડકરી લાંબા સમયથી ઇથેનોલ, બાયો-CNG, ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન જેવા પર્યાવરણને અનુકૂળ વૈકલ્પિક ઇંધણના ઉપયોગની હિમાયત કરે છે. ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ અને ખેતીના કચરામાંથી બને છે. 100% ઇથેનોલથી ચાલતા વાહનો આવવાથી આયાત થતા મોંઘા ક્રૂડ ઓઇલના બિલમાં દર વર્ષે અબજો રૂપિયાની બચત થશે. આ બચત ખેડૂતોના ખિસ્સામાં જવાથી કૃષિ અર્થવ્યવસ્તા મજબૂત બનશે. નિષ્ણાતો માને છે કે ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગની દિશા બદલી શકે છે.