દેશમાં ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલ (E20) અંગે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા વિચારી રહી છે. હાલમાં 20 ટકા ઇથેનોલવાળું પેટ્રોલ એટલે કે E20 ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં આ 20 ટકાની મર્યાદા વધારી દેવામાં આવશે અને પેટ્રોલમાં વધુ ઇથેનોલ ભેળવવામાં આવી શકે છે. આ માહિતી વડાપ્રધાનના સલાહકાર તરુણ કપૂરે આપી છે.
નવી દિલ્હીમાં ઇન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી કોન્ફરન્સને સંબોધતા તરુણ કપૂરે જણાવ્યું કે E20 પ્રોગ્રામ અત્યાર સુધીમાં ઘણો સફળ રહ્યો છે. અનેક ઓટોમોબાઇલ કંપનીઓ ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો લોન્ચ કરવાની તૈયારીમાં છે. આગામી દિવસોમાં સરકારનું ધ્યાન ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો પર રહેશે અને E20થી પણ વધુ ઇથેનોલની છૂટ આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે બાયોફ્યૂલનું મહત્વ વધી ગયું છે.
ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો (FFV) એ એવા વાહનો છે જે પેટ્રોલ, ઇથેનોલ, મિથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે. કપૂરે દાવો કર્યો કે E20 અંગે થતી ટીકાઓ અધૂરી માહિતીના આધારે છે. સંશોધનો દર્શાવે છે કે E20 ખરેખર ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં ઇથેનોલ ઉત્પાદનની ક્ષમતા બ્લેન્ડિંગની વર્તમાન જરૂરિયાત કરતાં પણ વધુ છે. સરકારનું આયોજન માત્ર પેટ્રોલ પૂરતું નથી, પરંતુ ડીઝલમાં બાયોફ્યૂલ આધારિત એડિટિવ્સના ઉપયોગ પર પણ કામ ચાલી રહ્યું છે.