સત્ય. સાહસ. સંકલ્પ.

E20 પેટ્રોલ વિવાદ: 31% ઈથેનોલનો દાવો શું છે, શેરડીથી ટાંકી સુધીની સફર સમજો

E20 પેટ્રોલ વિવાદ: 31% ઈથેનોલનો દાવો શું છે, શેરડીથી ટાંકી સુધીની સફર સમજો

છેલ્લા કેટલાક સમયથી E20 પેટ્રોલ ચર્ચામાં છે. તાજેતરમાં કર્ણાટકમાં 63 પેટ્રોલ સેમ્પલના ટેસ્ટિંગ બાદ એવો વિવાદ ઊભો થયો છે કે ગ્રાહકોને 20%ના નિયમ સામે 31.2% જેટલું ઈથેનોલ ભેળવેલું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આ સમાચારે વાહનચાલકોમાં ચિંતા અને સવાલો ઊભા કર્યા છે: શું પેટ્રોલ પંપ ગ્રાહકોને છેતરી રહ્યા છે? શું આનાથી વાહનોના એન્જિનને નુકસાન થશે? અને સૌથી અગત્યનું, પેટ્રોલમાં ઈથેનોલ ક્યારે, ક્યાં અને કેવી રીતે ભેળવવામાં આવે છે?

આ સંપૂર્ણ પ્રક્રિયા, તેના નિયમો અને વિજ્ઞાનને સરળ ભાષામાં સમજીએ.

ઈથેનોલ શું છે અને તે કેવી રીતે બને છે?

ઈથેનોલ એ બાયો-ફ્યુઅલ (જૈવિક ઇંધણ) છે, જે ખેતીના પાકોમાંથી બનાવવામાં આવે છે. ભારતમાં ઈથેનોલ મુખ્યત્વે શેરડીના કૂચા (મોલાસીસ), મકાઈ અને બગડેલા ચોખા (બ્રોકન રાઇસ)માંથી બનાવવામાં આવે છે. તેનાથી બે ફાયદા થાય છે: એક, નકામી ખેત પેદાશોનો ઉપયોગ થાય છે; બીજું, ખેડૂતોને વધારાની આવક મળે છે. તેથી સરકાર ઈથેનોલને પ્રોત્સાહન આપી રહી છે, જેથી ખેડૂત માત્ર અન્નદાતા જ નહીં, પણ ઊર્જાદાતા પણ બને.

પેટ્રોલમાં ઈથેનોલ કોણ ભેળવે છે?

લોકોમાં ગેરસમજ છે કે પેટ્રોલ પંપ પોતે ઈથેનોલ ભેળવે છે. હકીકતમાં આ પ્રક્રિયા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (જેમ કે IOCL, BPCL, HPCL)ના મોટા સપ્લાય ડેપો અને ટર્મિનલ પર થાય છે. ઈથેનોલ ડિસ્ટિલરીઓમાં બને છે, ત્યાંથી તેને ટેન્કર કે માલગાડી દ્વારા ડેપોમાં લાવવામાં આવે છે. ત્યાં તેને પેટ્રોલમાં ભેળવીને તૈયાર E20 પેટ્રોલ પંપ સુધી પહોંચાડવામાં આવે છે.

મિક્સિંગ પ્રક્રિયા: કડક અને ઓટોમેટિક

આ મિક્સિંગ કોઈ માણસ ડોલ કે પાઇપથી નથી કરતો; ડેપોમાં કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ હોય છે. ઇન-લાઇન બ્લેન્ડિંગમાં પાઇપલાઇનમાંથી પેટ્રોલ વહેતું હોય ત્યારે સેન્સર અને મીટરની મદદથી ચોક્કસ માત્રામાં ઈથેનોલ ઇન્જેક્ટ કરાય છે. સ્પ્લેશ બ્લેન્ડિંગમાં મોટી સ્ટોરેજ ટાંકી કે ડિલિવરી ટ્રકમાં સીધું જ માપીને પેટ્રોલ અને ઈથેનોલ ઉમેરવામાં આવે છે. જેમ કે, 100 લિટર E20 પેટ્રોલ બનાવવાનો કમાન્ડ મળે તો સિસ્ટમ બરાબર 80 લિટર શુદ્ધ પેટ્રોલ અને 20 લિટર ઈથેનોલ જ ભેળવશે.

સરકારના નિયમો અને કર્ણાટકનો વિવાદ

કેન્દ્ર સરકારે 2025 સુધીમાં સમગ્ર દેશમાં 20% ઈથેનોલ બ્લેન્ડિંગ (E20)નો લક્ષ્ય રાખ્યો હતો, જે હવે લગભગ આખા દેશમાં લાગુ થઈ ચૂક્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના IS 17021 ધોરણ મુજબ E20 પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ 19% થી 21% વચ્ચે હોવું ફરજિયાત છે. કર્ણાટકમાં કેટલાક સેમ્પલમાં આ પ્રમાણ 31% થી વધુ જોવા મળ્યું છે. જો આ સાચું હોય તો તે નિયમોનું ઉલ્લંઘન છે, કારણ કે વધુ પડતું ઈથેનોલ જૂના એન્જિન માટે નુકસાનકારક થઈ શકે છે. જોકે, કેન્દ્ર સરકારે આવા કોઈ પણ ઓવર-બ્લેન્ડિંગના આક્ષેપને નકારી કાઢ્યા છે.

વાહનના એન્જિન પર ઈથેનોલની અસર

નવા વાહનો: 2023 પછી બનેલા મોટાભાગના ટુ-વ્હીલર અને કાર E20 પેટ્રોલ માટે ડિઝાઇન કરાયા છે, તેથી તેમને નુકસાન થતું નથી. જૂના વાહનો: જૂના વાહનોમાં રબરની પાઇપો અને પ્લાસ્ટિકના ભાગો હોય છે. ઈથેનોલ થોડું કોરોઝિવ (કાટ લગાવનારું) હોય છે, જે લાંબા ગાળે ફ્યુઅલ પંપ કે પાઇપને અસર કરી શકે છે. પાણીનો દુશ્મન: ઈથેનોલ હવામાનમાંથી ભેજ ખેંચે છે. જો વાહનમાં E20 પેટ્રોલ ભરેલું હોય અને મહિનાઓ સુધી ન ચલાવો તો ટાંકીમાં પાણી જમા થઈ શકે છે. તેથી ડેપો પર મિક્સિંગ પહેલાં ટાંકીઓ સૂકી અને સ્વચ્છ રખાય છે; જરા પણ પાણી ભળે તો તેલ કંપની તે પેટ્રોલનું વેચાણ તરત રોકી દે છે.

પેટ્રોલ પંપની જવાબદારી

પેટ્રોલ પંપ સંચાલકોની જવાબદારી માત્ર એટલી જ છે કે કંપનીએ મોકલેલા પેટ્રોલમાં પાણી ન ભળે તેની કાળજી રાખીને ગ્રાહક સુધી પહોંચાડવું. તેઓ જાતે ઈથેનોલનું પ્રમાણ વધારી કે ઘટાડી શકતા નથી. જો એવું કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

કડક ચેકિંગ જરૂરી

પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવું દેશના અર્થતંત્ર માટે સારું છે કારણ કે તેનાથી આયાતી ક્રૂડ પરની નિર્ભરતા ઘટે છે અને પ્રદૂષણ પણ ઓછું થાય છે. પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ જળવાય રહે તે માટે ડેપો અને પંપ પર કડક ચેકિંગ વ્યવસ્થા જરૂરી છે.