સત્ય. સાહસ. સંકલ્પ.

ઝોમેટો-બ્લિંકિટની માતૃ કંપની લોન્ચ કરશે 'ડાર્ક.એઆઈ', તમારી ચેટ કંપની પણ નહીં વાંચી શકે

ઝોમેટો-બ્લિંકિટની માતૃ કંપની લોન્ચ કરશે 'ડાર્ક.એઆઈ', તમારી ચેટ કંપની પણ નહીં વાંચી શકે

ઝોમેટો અને બ્લિંકિટ ચલાવતી કંપની એટરનલ 'dark.ai' નામની નવી એઆઈ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના સ્થાપક દીપિન્દર ગોયલે જણાવ્યું કે આ એપમાં વપરાશકર્તા પોતાની ગુપ્ત વાતો કે વિચારો નિઃસંકોચ શેર કરી શકશે. તેમાં ચેટ ક્યાંય સેવ થશે નહીં અને ગોપનીયતા સંપૂર્ણ સુરક્ષિત રહેશે. હાલ કંપનીના કર્મચારીઓ તેનું પરીક્ષણ કરી રહ્યા છે.

ગોયલના જણાવ્યા અનુસાર, ડેટા સુરક્ષિત રહેવાની ખાતરી હોવાથી તેઓ પોતાની ઊંડી સંશોધન, અંગત માહિતી અને મુશ્કેલ પ્રશ્નો પણ આ એપમાં શેર કરી રહ્યા છે.

ડાર્ક.એઆઈ કંપનીની પોતાની કમ્પ્યુટર સિસ્ટમ અને સુરક્ષિત ટેક્નોલોજી પર ચાલશે. તેમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હશે, જેથી વપરાશકર્તાની વાતચીત માત્ર તેમની અને એપ વચ્ચે જ રહેશે. આ ઉપરાંત, એક ખાસ મેમરી સિસ્ટમ પણ હશે જે વપરાશકર્તાના નિયંત્રણમાં રહેશે. એટલે કે, તેઓ જ્યારે ઇચ્છે ત્યારે જૂની વાતચીતની માહિતી સાચવી શકશે અને જ્યારે ઇચ્છે ત્યારે તેને કાઢી શકશે.

આ એપ ખાસ કરીને સ્ટાર્ટઅપ માલિકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, મોટી કંપનીઓ અને સરકારી કચેરીઓ માટે બનાવવામાં આવી છે, જેમને પોતાનું કામ ગુપ્ત રાખવું પડે છે.

ગોયલે જણાવ્યું કે આ એઆઈ વપરાશકર્તાને ખુશ કરવા માટે મીઠી વાતો નહીં કરે, પરંતુ તે પોતાના અનુમાન મુજબ સત્ય જણાવશે.

હાલના એઆઈ ટૂલ્સ પર ડેટા ચોરી અને ગોપનીયતા અંગે ગોયલે કહ્યું કે જ્યારે લોકો એપ સેટિંગ્સમાં પોતાનો ડેટા સેવ ન કરવાનો વિકલ્પ (ઓપ્ટ-આઉટ) પસંદ કરે છે, ત્યારે પણ બેકએન્ડ પર તેમના ડેટા સાથે શું થાય છે તે સ્પષ્ટ રહેતું નથી. તેમણે કહ્યું, 'હાલની સામાન્ય એઆઈ એપ્સનો ઉપયોગ કરતી વખતે મનમાં હંમેશાં ભય રહે છે કે કોઈક ને કોઈક, ક્યારેક ને ક્યારેક, તમારી ચેટ ચોક્કસ વાંચી શકે છે. આ ભય અને અવિશ્વાસને કારણે લોકો એઆઈનો સંપૂર્ણ લાભ લઈ શકતા નથી.'

કંપનીએ હજી સુધી જણાવ્યું નથી કે ડાર્ક.એઆઈ કયા મોડેલ પર ચાલશે અને તે કેટલી ઝડપથી કામ કરશે. ફૂડ ડિલિવરી (ઝોમેટો) અને 10-15 મિનિટમાં સામાનની ડિલિવરી (બ્લિંકિટ) બાદ એઆઈ સોફ્ટવેરની દુનિયામાં પ્રવેશ કરવો એ એટરનલ માટે મોટો બદલાવ છે. જોકે, કંપનીએ હજી સ્પષ્ટ કર્યું નથી કે આ એપ મફત હશે કે પેઇડ અને તેનાથી કેટલી કમાણીની અપેક્ષા છે.