સત્ય. સાહસ. સંકલ્પ.

યુરોપમાં હથિયાર કૌભાંડ: 769 કરોડના સોદામાં ભારતીય કંપની સામે, મંત્રીનું રાજીનામું

યુરોપમાં હથિયાર કૌભાંડ: 769 કરોડના સોદામાં ભારતીય કંપની સામે, મંત્રીનું રાજીનામું

ઇસ્ટોનિયામાં 70 મિલિયન યુરો (આશરે 769 કરોડ રૂપિયા)ના શસ્ત્ર સોદામાં કથિત ગેરરીતિ બદલ સંરક્ષણ મંત્રી હેન્નો પેવકુરે રાજીનામું આપ્યું છે. આ સોદો યુક્રેન માટે દારૂગોળાની ખરીદી સંબંધિત હતો, જેમાં ભારતીય માલિકીની કંપનીનું નામ સામે આવ્યું છે.

વર્ષ 2024માં ઇસ્ટોનિયાની સેન્ટર ફોર ડિફેન્સ ઇન્વેસ્ટમેન્ટ્સ (RKIK) એજન્સીએ ઇટાલીમાં નોંધાયેલી 'ડેટાસેલ' કંપની સાથે કરાર કર્યો હતો. આ કંપનીની માલિકી ભારતની 'નેકો ડિફેન્સ મ્યુનિશન્સ' પાસે છે. સોદા હેઠળ એડવાન્સ તરીકે 70 મિલિયન યુરો ચૂકવવામાં આવ્યા હતા, જે યુરોપિયન યુનિયનના ભંડોળમાંથી આપવામાં આવ્યા હતા.

2025માં દારૂગોળાની ડિલિવરી થતાં તપાસમાં જાણવા મળ્યું કે તે ગુણવત્તાના ધોરણો પૂરા કરતું નથી. ઇસ્ટોનિયાએ કોન્ટ્રાક્ટ રદ કરીને નાણાં પાછા માંગ્યા છે, જ્યારે ડેટાસેલનો દાવો છે કે તેણે 59 મિલિયન યુરોનો માલ સમયસર પહોંચાડ્યો છે અને ગુણવત્તા સારી છે. હવે આ વિવાદ ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટરમાં પહોંચ્યો છે.

ઇસ્ટોનિયાના રાષ્ટ્રીય ઓડિટ વિભાગે આ ડીલમાં ગંભીર ખામીઓ દર્શાવી છે. ડિફેન્સ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ડિરેક્ટર જનરલ એલ્મર વાહેરે સ્વીકાર્યું કે જે કંપનીને ક્યારેય શસ્ત્ર બનાવવાનો અનુભવ નથી તેને આટલો મોટો સોદો આપવો ભૂલ હતી. ઓડિટમાં ચેતવણી અપાઈ છે કે જો પૈસા પરત નહીં આવે તો સરકારને પોતાના બજેટમાંથી નુકસાન ભોગવવું પડશે.

વડાપ્રધાને જણાવ્યું છે કે પેવકુર વ્યક્તિગત રીતે દોષિત નથી, પરંતુ તંત્રની નિષ્ફળતાની રાજકીય જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામું આપ્યું છે. પેવકુરે કહ્યું કે યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખવું એ ઇસ્ટોનિયાની સુરક્ષા માટે જરૂરી છે.