સત્ય. સાહસ. સંકલ્પ.

એસ્સાર ગ્રૂપ અમેરિકામાં 18 બિલિયન ડોલરનું રોકાણ કરશે, આયોવામાં બનશે યુએસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ

એસ્સાર ગ્રૂપ અમેરિકામાં 18 બિલિયન ડોલરનું રોકાણ કરશે, આયોવામાં બનશે યુએસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ

ભારતનું એસ્સાર ગ્રૂપ અમેરિકામાં કુલ 18 બિલિયન ડોલરનું જંગી રોકાણ કરવા જઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ રોકાણ અમેરિકાના સ્ટીલ ઉદ્યોગનું ચિત્ર બદલવાની સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતીય બિઝનેસ ગ્રૂપની હાજરી પણ મજબૂત કરશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત એસ્સાર ગ્રૂપ પોતાની માલિકીની અમેરિકા સ્થિત કંપની 'મેસાબી મેટાલિક્સ' મારફતે આયોવા રાજ્યમાં 15 બિલિયન ડોલરના ખર્ચે અદ્યતન સ્ટીલ પ્લાન્ટ બનાવશે. આ પ્લાન્ટ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા સ્ટીલ સંકુલમાંનો એક ગણાશે. તેની ઉત્પાદન ક્ષમતા તબક્કાવાર વાર્ષિક 10 મિલિયન ટન સુધી પહોંચાડવાની યોજના છે. પ્રથમ તબક્કામાં વાર્ષિક 7.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું લક્ષ્ય છે અને 2030 સુધીમાં પ્રથમ વ્યાપારી ઉત્પાદન શરૂ કરવાની યોજના છે.

એસ્સાર ગ્રૂપ માત્ર સ્ટીલ ઉત્પાદન પૂરતું સીમિત નથી રહેતું. તેણે અમેરિકામાં જ સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ સપ્લાય ચેઇન ઊભી કરવાનો પ્લાન બનાવ્યો છે. ગ્રૂપે મિનેસોટાના નાશવાક ખાતે મેસાબી મેટાલિક્સના આયર્ન ઓર પ્રોજેક્ટમાં પહેલેથી જ 2.5 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. એસ્સારના જણાવ્યા અનુસાર, આ લગભગ 50 વર્ષમાં અમેરિકામાં શરૂ થયેલી પ્રથમ નવી આયર્ન ઓર ખાણ અને પેલેટ પ્લાન્ટ છે. 16,000 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આ સુવિધા પૂરી ક્ષમતાએ કાર્યરત થશે ત્યારે વર્ષે 7 મિલિયન ટન સુધી ડાયરેક્ટ રિડક્શન ગ્રેડના આયર્ન ઓર પેલેટ્સનું ઉત્પાદન કરશે. મિનેસોટાની ખાણોમાંથી નીકળતો આ કાચો માલ આયોવાના પ્લાન્ટમાં સ્ટીલ બનાવવા માટે વપરાશે.

વ્હાઇટ હાઉસના સત્તાવાર આંકડા અનુસાર, આ પ્લાન્ટ ઓછામાં ઓછી 1,750 કાયમી પૂર્ણકાલીન નોકરીઓ ઊભી કરશે. પ્રથમ તબક્કાના બાંધકામ દરમિયાન અંદાજે 6,000 કન્સ્ટ્રક્શન જોબ્સનું સર્જન થશે. મિનેસોટા ફેસિલિટીમાં હાલમાં 200થી વધુ લોકો કાર્યરત છે, જે પૂરી ક્ષમતાએ વધુ 350 લોકોને રોજગારી આપશે. વ્હાઇટ હાઉસનો અંદાજ છે કે બાંધકામ અને કામગીરીના પ્રથમ 10 વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ આર્થિક ગતિવિધિઓ દ્વારા લગભગ 95 બિલિયન ડોલરનો પ્રભાવ પેદા કરશે.

વ્હાઇટ હાઉસમાં આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, દરેક વ્યક્તિ પોતાના પ્લાન્ટ અમેરિકામાં સ્થાપી રહી છે કારણ કે તેઓ ટેરિફ ચૂકવવા માંગતા નથી.