સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળીબાર: 2 બાળકો સહિત 9ના મોત, હુમલાખોર પણ ઠાર

અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળીબાર: 2 બાળકો સહિત 9ના મોત, હુમલાખોર પણ ઠાર

અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના એરી શહેરમાં 7મી સ્ટ્રીટ અને પેરી સ્ટ્રીટ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં બે બાળકો સહિત કુલ નવ લોકોના મોત થયા છે. પોલીસે આ માહિતીની પુષ્ટિ કરી છે.

એરી શહેરના પોલીસ ચીફ રિક લોરાહે જણાવ્યું કે ગોળીબાર કરનાર શંકાસ્પદ હુમલાખોરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું છે. તેમણે કહ્યું કે હાલમાં સામાન્ય લોકો માટે કોઈ જોખમ નથી.

પોલીસ ચીફ લોરાહે એસોસિએટેડ પ્રેસ (AP) સાથે વાત કરતાં કહ્યું કે તેમના 28 વર્ષથી વધુની પોલીસ સેવા દરમિયાન આવું ભયાનક દૃશ્ય ક્યારેય જોયું નથી. જોકે, તપાસ ચાલુ હોવાથી તેમણે હુમલાના કારણો અંગે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.

પેન્સિલવેનિયાના ગવર્નર જોશુઆ ડેવિડ શાપિરોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે શનિવારે એરી શહેરના મેયર ડારિયા ડેવલિન સાથે વાત કરી હતી અને શહેરને તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.

મેયર ડેવલિને નાગરિકોને અપીલ કરી છે કે હુમલાખોર મૃત્યુ પામ્યો છે, તેથી ડરવાની જરૂર નથી. સ્થાનિક વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

એરી શહેર પિટ્સબર્ગથી આશરે 206 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધો છે.