સત્ય. સાહસ. સંકલ્પ.

એપસ્ટિનના મોત પર નવો દાવો: ફોરેન્સિક નિષ્ણાત કહે છે હત્યા કરાઈ, તપાસ રિપોર્ટ કહે છે આત્મહત્યા

એપસ્ટિનના મોત પર નવો દાવો: ફોરેન્સિક નિષ્ણાત કહે છે હત્યા કરાઈ, તપાસ રિપોર્ટ કહે છે આત્મહત્યા

અમેરિકાના ચર્ચિત સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટિનના જેલમાં થયેલા મોત પર ફરી એક વાર વિવાદ ઊભો થયો છે. ફોરેન્સિક નિષ્ણાત પ્રોફેસર માઈકલ ફ્રીમેને ઓટોપ્સી રિપોર્ટ અને ફોટોગ્રાફ્સનું વિશ્લેષણ કરીને દાવો કર્યો છે કે એપસ્ટિનનું મોત આત્મહત્યાથી નહીં, પરંતુ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જોકે, સત્તાવાર તપાસ રિપોર્ટ હજુ પણ આત્મહત્યાને જ કારણ ગણાવે છે.

પ્રોફેસર ફ્રીમેનના જણાવ્યા અનુસાર, એપસ્ટિનનું ગળું દોરડા કે કપડાંથી પાછળથી દબાવવામાં આવ્યું હતું અને પછી મૃતદેહને બંક બેડ પર લટકાવી દેવામાં આવ્યો હતો, જેથી તે આત્મહત્યા જેવો લાગે. ઓટોપ્સી ફોટોગ્રાફ્સમાં ડાબા ખભા પર ઊંડા ઘા અને ચહેરા પર મારપીટના નિશાન જોવા મળ્યા હોવાનો તેમનો દાવો છે. ગળા પરના નિશાનની ઉપર નખના ઉઝરડા પણ જોવા મળ્યા છે, જે બચાવના પ્રયાસો દર્શાવે છે.

ફ્રીમેને એ પણ નોંધ્યું કે કસ્ટડીમાં ફાંસીના કિસ્સામાં મૃતદેહને નીચે ઉતારતા પહેલા ફોટોગ્રાફ્સ લેવાનો નિયમ હોય છે, પરંતુ આ કેસમાં ગાર્ડ્સે સીધો જ મૃતદેહ નીચે ઉતારી લીધો હતો. તેમનું કહેવું છે કે શરીર પરની ઈજાઓ અને મૃતદેહ મળવાની રીત એકબીજા સાથે મેળ ખાતી નથી.

બીજી તરફ, 2019માં ઓટોપ્સી કરનારા તત્કાલીન ચીફ મેડિકલ એક્ઝામિનર ડૉ. બાર્બરા સેમ્પસને જણાવ્યું હતું કે એપસ્ટિનની ઈજાઓ ફાંસી ખાઈને કરેલી આત્મહત્યા સાથે સુસંગત છે અને બચવા માટેના સંઘર્ષના કોઈ નિશાન નહોતા. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના રિપોર્ટ મુજબ, 10 ઓગસ્ટ 2019ના રોજ જેલ ગાર્ડે એપસ્ટિનને મૃત હાલતમાં જોયો અને તરત જ મૃતદેહ નીચે ઉતાર્યો. ઘટનાના એક મહિના પહેલા જ તેને 'સુસાઈડ વોચ' પરથી હટાવી દેવાયો હતો.

પ્રોફેસર ફ્રીમેને અગાઉ જ્યોર્જ ફ્લોયડ કેસ સહિત પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસોમાં એટર્ની-જનરલ માટે કોઝ-ઓફ-ડેથ નિષ્ણાત તરીકે સેવા આપી છે. તેમણે આ વિશ્લેષણ એપસ્ટિનના ભાઈ માર્ક એપસ્ટિન દ્વારા પૂરા પાડવામાં આવેલા મેડિકલ રેકોર્ડ અને ફોટોગ્રાફ્સના આધારે કર્યું છે. માર્ક શરૂઆતથી જ હત્યાનો આરોપ લગાવતા રહ્યા છે. ફ્રીમેને કહ્યું કે તેમનું વિશ્લેષણ સ્વતંત્ર છે અને તેમણે કોઈ ફી લીધી નથી. જોકે, આ સંશોધન હજુ સુધી કોઈ સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થયું નથી. હત્યા કોણે કરી હશે તેવા સવાલ પર તેમણે કહ્યું કે તેમને આ વિશે ખબર નથી, તેઓ માત્ર મેડિકલ પુરાવાના આધારે વાત કરી રહ્યા છે.