કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (EPFO) હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક વેતન મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણયથી દેશના 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓ કાનૂની સામાજિક સુરક્ષાના છત્ર હેઠળ આવશે.
હાલના નિયમ મુજબ, જો કોઈ નવો કર્મચારી 15,000 રૂપિયાથી વધુ માસિક પગાર સાથે નોકરીમાં જોડાય, તો કંપની માટે તેને EPF હેઠળ લાવવો ફરજિયાત નહોતો. પરિણામે, ઘણા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને વીમાના લાભથી વંચિત રહી જતા હતા. હવે 15,000થી 25,000 રૂપિયાની આવક ધરાવતા નોકરિયાતો ફરજિયાતપણે EPF, પેન્શન અને વીમાના દાયરામાં આવી જશે.
આ નિર્ણયથી કર્મચારીઓને ત્રણ રીતે ફાયદો થશે: EPF હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંને તરફથી દર મહિને પીએફ ખાતામાં યોગદાન જમા થશે, જેનાથી લાંબા ગાળાનું નિવૃત્તિ ભંડોળ ઊભું થશે. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ પેન્શનપાત્ર વેતનનો દાયરો વધતાં ભવિષ્યમાં વધુ સારી માસિક પેન્શન સુરક્ષા મળશે. એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ પીએફ સભ્યપદ સાથે આપમેળે જોડાયેલું જીવન વીમા કવચ કર્મચારીના પરિવારને આર્થિક રક્ષણ આપશે.
ઉલ્લેખનીય છે કે EPFOની વેતન મર્યાદા છેલ્લે સપ્ટેમ્બર 2014માં 6,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી. છેલ્લા 12 વર્ષમાં સરેરાશ આવક, મોંઘવારી અને ઔપચારિક રોજગારમાં સતત વધારો થયો છે. ઘણા રાજ્યોમાં લઘુત્તમ વેતન પણ 15,000 રૂપિયાની નજીક પહોંચી ગયું હતું, તેથી આ સીમા વધારવી સમયની માંગ બની ગઈ હતી. શ્રમિક સંગઠનોએ પણ આ પગલાને વ્યાપક સમર્થન આપ્યું છે.
આ સુધારાની અસર નોકરીદાતાઓ અને વર્કફોર્સ પર પણ દેખાશે. સંસ્થાઓમાં કર્મચારીઓનો નોકરી છોડી જવાનો દર ઘટશે અને વર્કફોર્સ રિટેન્શનમાં સુધારો થશે. કામદારોને લાંબા ગાળાની સામાજિક સુરક્ષા મળવાથી તેમની કાર્યક્ષમતા અને મનોબળમાં વધારો થશે.
આ સુધારા માટે એક્સપેન્ડિચર ફાયનાન્સ કમિટી દ્વારા 16 જૂન 2026ના રોજ ભલામણ કરવામાં આવી હતી. નવી વ્યવસ્થા હેઠળ સરકાર પર વાર્ષિક અંદાજે 11,339 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે, જે હાલના 10,250 કરોડ રૂપિયાના બજેટ સપોર્ટ કરતાં વધુ છે. આગામી પાંચ વર્ષમાં સરકાર આ સિસ્ટમ પાછળ અંદાજે 56,696 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
કેબિનેટની મંજૂરી એ પ્રથમ પગલું છે. હવે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય તથા EPFO દ્વારા જરૂરી નોટિફિકેશન અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે, જેના પછી નવી સીમાનો ઔપચારિક અમલ શરૂ થશે.