સત્ય. સાહસ. સંકલ્પ.

EPFO વેજ સીલિંગ રૂ.25,000: 51 લાખ કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ, ટેક-હોમ પગાર ઘટશે

EPFO વેજ સીલિંગ રૂ.25,000: 51 લાખ કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ, ટેક-હોમ પગાર ઘટશે

કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની વેજ સીલિંગ લિમિટ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી છે. વેજ સીલિંગ એટલે તે મહત્તમ પગાર જેના પર ફરજિયાત PF કપાય છે. આ નિર્ણયથી 51 લાખથી વધુ કર્મચારીઓ PF, પેન્શન (EPS) અને વીમા (EDLI) જેવી સામાજિક સુરક્ષા યોજનાઓના દાખલામાં આવશે.

જોકે, આની સીધી અસર કર્મચારીઓની ટેક-હોમ સેલરી પર પડશે. અગાઉ 15,000 રૂપિયાના 12 ટકા એટલે કે 1,800 રૂપિયા PFમાં જમા થતા હતા, જે હવે 25,000 રૂપિયાના 12 ટકા એટલે કે 3,000 રૂપિયા થશે. કર્મચારી અને એમ્પ્લોયર બંને તરફથી દર મહિને 1,200 રૂપિયા વધુ કપાશે. આ રકમ સીધી PF ખાતામાં જમા થશે, પરંતુ હાથમાં આવતો પગાર ઘટશે.

કંપનીઓ આ વધેલા ખર્ચને બે રીતે હેન્ડલ કરી શકે છે. પહેલા વિકલ્પમાં કંપની પોતાનો વધેલો હિસ્સો ઉઠાવે અને કર્મચારીના પગારમાંથી માત્ર 1,200 રૂપિયા કપાય, જેથી ટેક-હોમ સેલરી વાર્ષિક 14,400 રૂપિયા ઘટે. બીજા વિકલ્પમાં કંપની આખો બોજ કર્મચારી પર નાખે, જેથી દર મહિને 2,400 રૂપિયા એટલે કે વાર્ષિક 28,800 રૂપિયા કપાય. જોકે, કાનૂની નિષ્ણાતોના મતે સોશિયલ સિક્યોરિટી કોડ, 2020ની કલમ 124 હેઠળ નવા વેજ સ્ટ્રક્ચર પર શિફ્ટ થવાથી કર્મચારીની ટેક-હોમ સેલરી ઘટવી જોઈએ નહીં. તેથી પગાર કાપવો કંપનીઓ માટે કાનૂની પડકાર બની શકે છે.

કંપનીઓ પર પણ આની અસર પડશે. જો કંપની કર્મચારીનો પગાર ન કાપે અને PFનો વધેલો ખર્ચ પોતે ઉઠાવે, તો તેનો ઓપરેટિંગ ખર્ચ વધશે. ઉદાહરણ તરીકે, 20 લાખ રૂપિયાના વાર્ષિક CTC ધરાવતા કર્મચારી માટે કંપનીને વધારાના 14,400 રૂપિયા ચૂકવવા પડી શકે, જેથી CTC 20.14 લાખ થઈ જશે. મોટા પેરોલ ધરાવતી કંપનીઓ માટે આ મોટો મુદ્દો છે, કારણ કે PFનો લાભ કર્મચારીને રિટાયરમેન્ટ વખતે મળે છે, કંપનીને તાત્કાલિક કોઈ આર્થિક લાભ થતો નથી.