સત્ય. સાહસ. સંકલ્પ.

EPFO મર્યાદા ₹25,000: કેબિનેટની મંજૂરી, 51 લાખ કર્મચારીઓને ફાયદો

EPFO મર્યાદા ₹25,000: કેબિનેટની મંજૂરી, 51 લાખ કર્મચારીઓને ફાયદો

નોકરી કરતા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)ની વેજ સીલિંગ મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 પ્રતિ મહિનો કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું કે આ નિયમ આવતીકાલથી એટલે કે 17 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી લગભગ 51 લાખ કર્મચારીઓને સીધો લાભ મળશે.

અત્યારે જે કર્મચારીઓનો માસિક પગાર ₹15,000થી વધુ હોવાના કારણે EPFOના અનિવાર્ય કવરેજમાં નહોતો આવતો, તેમાંથી ₹25,000 સુધી પગાર મેળવતા કર્મચારીઓ હવે આ દાયરામાં આવશે. આ નિર્ણય બાદ આશરે 51 લાખ વધારાના કર્મચારીઓ EPFOના દાયરામાં આવી શકે છે.

આ નવા નિર્ણયથી કર્મચારીઓના PF અને પેન્શન ખાતામાં દર મહિને વધુ યોગદાન જમા થશે, જેના કારણે નિવૃત્તિ માટેનું ફંડ વધુ મજબૂત બનશે. સરકારનું કહેવું છે કે આનાથી વધુ કર્મચારીઓને નિવૃત્તિ માટે બચત અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે અને દેશમાં ઔપચારિક રોજગારને પ્રોત્સાહન મળશે.

આ યોજના લાગુ કરવા માટે સરકાર ₹11,339 કરોડનો વધારાનો ખર્ચ ઉઠાવશે. વેજ સીલિંગમાં વધારા બાદ હવે ₹25,000 સુધીની બેઝિક સેલરી ધરાવતા કર્મચારીઓ ફરજિયાત રીતે PFના દાયરામાં આવશે.

જોકે, PFમાં વધુ કપાત થવાને કારણે કર્મચારીઓના હાથમાં આવતી સેલરીમાં થોડો ફેરફાર થઈ શકે છે. પરંતુ લાંબા ગાળે તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત બનશે. આ પહેલાં વર્ષ 2014માં EPFની વેજ સીલિંગ ₹6,500થી વધારીને ₹15,000 કરવામાં આવી હતી.