સત્ય. સાહસ. સંકલ્પ.

PF ખાતામાંથી ઘર ખરીદવા માટે હવે 75% સુધી ઉપાડી શકાશે, EPFO ના નવા નિયમો સરળ

PF ખાતામાંથી ઘર ખરીદવા માટે હવે 75% સુધી ઉપાડી શકાશે, EPFO ના નવા નિયમો સરળ

પોતાનું ઘર ખરીદવું કે બનાવવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ મોટો ખર્ચ અને હોમ લોનની ચિંતા લોકોને મૂંઝવણમાં મૂકી દે છે. હવે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોને ખૂબ જ સરળ બનાવ્યા છે. નવા નિયમો હેઠળ સભ્યો પોતાના કુલ પીએફ બેલેન્સના 75 ટકા સુધી ઉપાડી શકે છે. આનો અર્થ એ છે કે, હવે તમે ઘર સંબંધિત જરૂરિયાતો માટે પહેલા કરતાં વધુ રકમ મેળવી શકો છો.

નવા નિયમો અનુસાર, 75 ટકાની ગણતરીમાં ત્રણેય ઘટકોનો સમાવેશ થાય છે: કર્મચારીનું યોગદાન, એમ્પ્લોયરનું યોગદાન અને તેના પર મળેલું વ્યાજ. પહેલા ઉપાડની ગણતરી ફક્ત કર્મચારીના પોતાના યોગદાન સુધી સીમિત હતી, જેના કારણે ઘણા સભ્યોને ઓછી રકમ મળતી હતી. હવે આ મર્યાદા હટાવાઈ છે.

ઉદાહરણ તરીકે, જો તમારા પીએફ ખાતામાં કુલ 10 લાખ રૂપિયાનું બેલેન્સ છે, તો તમે 7.5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકો છો, જ્યારે 2.5 લાખ રૂપિયા તમારા ખાતામાં સુરક્ષિત રહેશે. ધ્યાનમાં રાખો કે, 75 ટકા એ મહત્તમ મર્યાદા છે અને વાસ્તવિક રકમ તમારા હેતુ અને લાગુ નિયમો પર આધારિત છે.

આ ઉપાડ સુવિધાનો ઉપયોગ મુખ્યત્વે ચાર હેતુઓ માટે થઈ શકે છે: નવું ઘર, ફ્લેટ કે જમીન ખરીદવી; પોતાના મકાનનું નિર્માણ કરાવવું; ચાલુ હોમ લોનની ચુકવણી કરવી; અને હાલના ઘરનું રિપેરિંગ, નવીનીકરણ કે વિસ્તાર કરાવવો. આ બધી જરૂરિયાતો માટે એક સમાન માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેથી પ્રક્રિયા સમજવામાં સરળતા રહે.

જૂના નિયમોમાં વિવિધ હેતુઓ માટે નોકરીનો સમયગાળો અને ઉપાડની શરતો જટિલ હતી. નવા નિયમો હેઠળ આ સરળ આવાસ ઉપાડ સુવિધાનો લાભ લેવા માટે સભ્યએ ફક્ત 12 મહિના (એક વર્ષ)ની ન્યૂનતમ પીએફ સભ્યપદ પૂરી કરવી પડશે. એટલે કે, એક વર્ષની નોકરી પૂરી થતાં જ સભ્ય આ ફંડનો ઉપયોગ કરવા પાત્ર બની જાય છે.

EPFO ના નિયમો અનુસાર, કોઈ પણ સભ્ય પોતાની આખી નોકરી દરમિયાન ઘર સંબંધિત કાર્યો માટે મહત્તમ 5 વખત પીએફ એડવાન્સ ઉપાડી શકે છે. જમીન ખરીદવી, લોન ચૂકવવી અને પછીથી ઘરનું રિપેરિંગ કરાવવું જેવી જરૂરિયાતો આ જ કેટેગરી હેઠળ આવે છે. તેથી, સભ્યોએ ભવિષ્યની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ઉપાડનું આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત, લગ્ન, શિક્ષણ કે સારવાર જેવી અન્ય જરૂરિયાતો માટે પીએફ ઉપાડના નિયમો અને મર્યાદાઓ અલગ છે.

ઘર માટે પીએફમાંથી પૈસા ઉપાડવા એ મોટો નાણાકીય સપોર્ટ આપે છે અને ભારે વ્યાજવાળા વધારાના દેવાથી બચાવે છે, પરંતુ તેની સાથે એક મોટું નુકસાન પણ જોડાયેલું છે. પીએફ મુખ્યત્વે નિવૃત્તિ માટેની બચત છે. જો તમે કરિયરના શરૂઆતના કે મધ્યના વર્ષોમાં મોટી રકમ ઉપાડી લો છો, તો તેના પર મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ (કમ્પાઉન્ડિંગ)નો લાભ ઘટી જાય છે. આનાથી તમારું રિટાયરમેન્ટ ફંડ નોંધપાત્ર રીતે ઓછું થઈ શકે છે. તેથી, પીએફમાંથી પૈસા ઉપાડતા પહેલાં પોતાની અન્ય બચતો અને વિકલ્પોનું આંકલન ચોક્કસ કરી લેવું જોઈએ.