સત્ય. સાહસ. સંકલ્પ.

EPFO નિર્ણય: PF ખાતામાં લઘુત્તમ બેલેન્સ 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની મંજૂરી

EPFO નિર્ણય: PF ખાતામાં લઘુત્તમ બેલેન્સ 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની મંજૂરી

EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ગુરુવારે સભ્યોના હિતમાં અનેક નિર્ણયોને મંજૂરી આપી છે. ખાતામાં જાળવી રાખવાના લઘુત્તમ બેલેન્સની મર્યાદા 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની મંજૂરી અપાઈ છે.

હાલના નિયમ મુજબ 58 વર્ષની નિવૃત્તિ વયે સભ્ય PFની સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડી શકે છે. ઓછામાં ઓછી 10 વર્ષની યોગ્ય સેવા પૂરી કરનારને એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ હેઠળ માસિક પેન્શન મળે છે. હવે નવા નિર્ણય હેઠળ નિવૃત્તિ સમયે રકમ એક સાથે લેવાને બદલે નિયમિત હપ્તામાં મેળવવાનો વિકલ્પ આપવામાં આવશે.

આ માટે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) લાગુ થવાની શક્યતા છે. જરૂરી સુધારા પૂરા થયા પછી લગભગ બે મહિનામાં તે અમલમાં આવી શકે છે. આ યોજના હેઠળ નિવૃત્ત સભ્ય પોતાની બચતનો પૂરો કે આંશિક ભાગ EPF સિસ્ટમમાં રાખીને હપ્તામાં રકમ લઈ શકશે. બાકી રહેલી રકમ પર વર્તમાન EPF વ્યાજ દર મુજબ વ્યાજ મળતું રહેશે. વિકલ્પોમાં સંપૂર્ણ હપ્તા ચુકવણી, થોડી રકમ એકસાથે લઈને બાકીની હપ્તામાં લેવી, અથવા માત્ર વ્યાજની રકમ ઉપાડવાનો સમાવેશ થાય છે.

બેરોજગારી પછીના ફાઈનલ સેટલમેન્ટના નિયમમાં પણ ફેરફાર થયો છે. ઓક્ટોબર 2025માં બેરોજગારી બાદ અંતિમ PF ઉપાડ માટેનો પ્રતીક્ષા સમય વધારીને 12 મહિના કરાયો હતો. હવે બોર્ડે ગયા વર્ષનો એ નિર્ણય પલટીને આ સમય ફરી 2 મહિના કર્યો છે. એટલે કે બે મહિના બેરોજગાર રહેનાર સભ્ય ફરીથી અંતિમ સેટલમેન્ટ માટે દાવો કરી શકશે. જોકે ફાઈનલ પેન્શન ઉપાડવા માટેનો લઘુત્તમ પ્રતીક્ષા સમય 36 મહિના જ યથાવત રહેશે.

EPFOના આંતરિક અંદાજ મુજબ 55 વર્ષથી વધુ વયના અને રૂ. 5 લાખથી વધુ PF બચત ધરાવતા આશરે 6.32 લાખ સભ્યોને આ વિકલ્પનો લાભ મળી શકે છે. નિવૃત્ત સભ્ય કોઈ પણ તબક્કે પ્લાન બંધ કરીને બાકીની રકમ ઉપાડી શકશે. ચુકવણી ચાલુ હોય ત્યારે સભ્યનું અવસાન થાય તો જીવનસાથી અથવા નોમિનીને એ જ શરતો હેઠળ બાકીની રકમ મળતી રહેશે.

બોર્ડે ડિજિટલ માધ્યમથી સ્વૈચ્છિક ફાળો સીધો PF ખાતામાં જમા કરાવવાની શક્યતા પર પણ વિચારણા કરી છે. આ વ્યવસ્થા એમ્પ્લોયરની પેરોલ સિસ્ટમથી અલગ હશે. એક અલગ પ્રસ્તાવમાં ટિપ્સ, ભેટ કે ગ્રેચ્યુઈટી જેવી નાની તૃતીય-પક્ષ રકમ UAN સાથે જોડાયેલા PF ખાતામાં જમા કરવાની મંજૂરી આપવા અંગે ચર્ચા થઈ છે. તેનાથી ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ, ઘરેલું કામદારો અને અસંગઠિત ક્ષેત્રના અન્ય કામદારોને પણ નિવૃત્તિ બચતનો લાભ મળી શકે.