કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હવે પોતાની રોકાણ નીતિમાં મહત્ત્વનો ફેરફાર કરવા જઈ રહ્યું છે. સંગઠન 30 કરોડથી વધુ સભ્યોની નિવૃત્તિ બચતનું સંચાલન કરે છે, જેની કુલ રકમ આશરે ₹30 લાખ કરોડ છે. નવી દિશાનિર્દેશિકા મુજબ, દર વર્ષે ઉમેરાતા નવા ભંડોળના 3% સુધીની રકમ સ્ટાર્ટઅપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાનગી કંપનીઓમાં રોકવાનો પ્રસ્તાવ છે. આ રોકાણ સીધું નહીં, પરંતુ SIDBI અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) જેવી સરકારી સંસ્થાઓ મારફતે કરવામાં આવશે, જેથી જોખમ ઓછું રહે. આ પ્રસ્તાવ નવેમ્બરમાં મંજૂર થવાની શક્યતા છે.
હાલમાં EPFO તેના સભ્યોના નાણાંનું રોકાણ કડક સરકારી ધારાધોરણો અનુસાર કરે છે. ફંડનો 45%થી 65% હિસ્સો સરકારી સિક્યોરિટીઝમાં, 20%થી 45% કોર્પોરેટ ડેટ અને બોન્ડ્સમાં, 5%થી 15% શેરબજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) મારફતે અને 0%થી 5% ટૂંકા ગાળાના રોકાણમાં રાખવામાં આવે છે. EPFO હાલમાં 8.25% વ્યાજ દર આપે છે. આ દર જાળવી રાખવા અને ભવિષ્યમાં વધારવા માટે નવા રોકાણ વિકલ્પો શોધાઈ રહ્યા છે.
નવી ગાઇડલાઇન હેઠળ EPFO SEBI-રજિસ્ટર્ડ કેટેગરી I અને કેટેગરી II વૈકલ્પિક રોકાણ ભંડોળ (AIFs)માં રોકાણ કરી શકશે. કેટેગરી I AIFs સ્ટાર્ટઅપ, નાના ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને વેન્ચર કેપિટલમાં રોકાણ કરે છે, જ્યારે કેટેગરી II AIFsમાં રિયલ એસ્ટેટ, ખાનગી ઇક્વિટી અને ખાનગી દેવાનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT)એ EPFOને 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0'માં જોડાવા વિનંતી કરી હતી. જોખમ ઓછું કરવા માટે શરૂઆતના તબક્કામાં સીધું રોકાણ ટાળીને સરકારી સંસ્થાઓ મારફતે રોકાણ કરવાનું વિચારાઈ રહ્યું છે. નાણા મંત્રાલયની સૂચિત માર્ગદર્શિકા હેઠળ આ પગલું લેવાશે.