સત્ય. સાહસ. સંકલ્પ.

PF ક્લેમ વારંવાર રિજેક્ટ થાય છે? આ 10 ભૂલો ટાળો

PF ક્લેમ વારંવાર રિજેક્ટ થાય છે? આ 10 ભૂલો ટાળો

પ્રોવિડન્ટ ફંડ (PF)ની રકમ મુશ્કેલ સમયમાં મોટો આધાર બને છે. મેડિકલ ખર્ચ, લગ્ન, ઘર ખરીદી કે નોકરી બદલવા જેવા પ્રસંગોએ કર્મચારીઓ EPFO પોર્ટલ પરથી ઓનલાઇન PF ઉપાડવાની અરજી કરે છે. પણ ઘણી વાર નાની ભૂલોને કારણે ક્લેમ રિજેક્ટ થઈ જાય છે. જો તમારો ક્લેમ પણ રિજેક્ટ થયો હોય, તો ફરી અરજી કરતાં પહેલાં કારણો અને ઉપાયો સમજી લેવા જરૂરી છે.

PF ક્લેમ રિજેક્ટ થવાના 10 મુખ્ય કારણો:

1. UAN અને આધારની વિગતોમાં તફાવત: યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ કે અન્ય માહિતીમાં સહેજ પણ તફાવત હોય તો વેરિફિકેશન અટકી જાય છે. સ્પેલિંગની ભૂલ કે જન્મતારીખમાં નાનો તફાવત પણ ક્લેમ રદ કરાવી શકે છે.

2. બેંક એકાઉન્ટની ખોટી વિગતો: PFની રકમ EPFO રેકોર્ડમાં ચકાસાયેલા બેંક ખાતામાં જ જમા થાય છે. બેંક ખાતા નંબર, IFSC કોડ કે ખાતાધારકના નામમાં ભૂલ હશે તો ક્લેમ સીધો રિજેક્ટ થશે.

3. બેંક ખાતું બંધ કે નિષ્ક્રિય: EPFO પોર્ટલ સાથે જોડાયેલું ખાતું બંધ, ફ્રીઝ કે લાંબા સમયથી નિષ્ક્રિય હોય તો સિસ્ટમ પૈસા ટ્રાન્સફર કરી શકતી નથી. અરજી પહેલાં ખાતું સક્રિય હોવાની ખાતરી કરો.

4. KYC અધૂરું કે અનવેરિફાઇડ: આધાર, બેંક ખાતું અને પાન કાર્ડનું KYC પૂર્ણ તેમજ EPFO પોર્ટલ પર વેરિફાઇ થયેલું હોવું જરૂરી છે. KYC પેન્ડિંગ હોય તો ક્લેમ આગળ વધતો નથી.

5. દસ્તાવેજોમાં નામ કે જન્મતારીખમાં તફાવત: આધાર, EPFO પોર્ટલ અને બેંક પાસબુકમાં નામ કે જન્મતારીખ અલગ-અલગ હશે તો ડેટા મેચિંગ નિષ્ફળ જાય છે અને ક્લેમ ફગાવાય છે.

6. કંપનીના રેકોર્ડમાં ભૂલ: ઘણી વાર ભૂલ કર્મચારીની નહીં, કંપનીની હોય છે. નોકરી શરૂ કર્યાની કે છોડ્યાની તારીખ ખોટી નોંધાયેલી હોય તો ક્લેમ અટકી શકે છે. આ માટે HR વિભાગનો સંપર્ક કરવો પડે.

7. એક્ઝિટ ડેટ અપડેટ ન હોવી: નોકરી છોડ્યા પછી પણ EPFO રેકોર્ડમાં 'ડેટ ઓફ એક્ઝિટ' નોંધાયેલી ન હોય તો અમુક પ્રકારના ફુલ એન્ડ ફાઇનલ વિડ્રોઅલ શક્ય બનતા નથી. કર્મચારી પોતે EPFO મેમ્બર પોર્ટલમાં લોગિન કરીને પોતાની એક્ઝિટ ડેટ અપડેટ કરી શકે છે.

8. ખોટો ફોર્મ કે કારણ પસંદ કરવું: PF ઉપાડના જુદા-જુદા હેતુઓ (એડવાન્સ, બીમારી, બાંધકામ કે ફુલ સેટલમેન્ટ) માટે અલગ ફોર્મ અને નિયમો છે. ખોટો ક્લેમ ટાઇપ કે ખોટું કારણ પસંદ કરવાથી અરજી નામંજૂર થાય છે.

9. જૂનો ક્લેમ કે ટ્રાન્સફર પેન્ડિંગ: અગાઉની કોઈ ક્લેમ અરજી પેન્ડિંગ હોય અથવા જૂની કંપનીમાંથી નવી કંપનીમાં PF ટ્રાન્સફર ચાલી રહ્યું હોય તો નવો ક્લેમ સબમિટ કરવાથી સિસ્ટમ તેને અટકાવી શકે છે.

10. વિડ્રોઅલની પાત્રતા કે શરતો પૂરી ન થવી: દરેક પ્રકારના PF ઉપાડ માટે ચોક્કસ સેવા અવધિ અને નિયમો નક્કી છે. શરતો પૂરી ન કરતા હોવ છતાં ક્લેમ કરો તો અરજી રદ થાય છે.

ક્લેમ રિજેક્ટ થાય તો તાત્કાલિક શું કરવું?

ક્લેમ રિજેક્ટ થતાં જ ઉતાવળે ફરી અરજી ન કરો. સૌથી પહેલાં EPFO પોર્ટલ પર લોગિન કરી 'Track Claim Status'માં જઈને અસ્વીકારનું ચોક્કસ કારણ વાંચો. UAN, બેંક વિગતો, KYC, સ્પેલિંગ કે એક્ઝિટ ડેટમાં જે ખામી હોય તે સુધારો. જો ભૂલ કંપની સ્તરે હોય તો HR પાસે સુધારો કરાવો. બધી વિગતો ચકાસાયેલી થાય પછી જ ફરી અરજી કરો, જેથી ક્લેમ ફરી રિજેક્ટ ન થાય.