કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પીએફ ખાતામાંથી એડવાન્સ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે દરેક કેટેગરી માટે ઉપાડની ચોક્કસ લિમિટ નક્કી કરવામાં આવી છે. જો તમે પણ પીએફમાંથી વારંવાર પૈસા ઉપાડો છો, તો આ નવા નિયમો તમારા માટે જાણવા જેવા છે.
EPFOએ ઉપાડને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચ્યા છે: આવશ્યક જરૂરિયાતો, આવાસ સંબંધિત ખર્ચ અને સ્પેશિયલ કન્ડિશન. આ ગાઇડલાઇનનો હેતુ એ સ્પષ્ટ કરવાનો છે કે સભ્યો અલગ-અલગ હેતુઓ માટે તેમની પીએફ બચતનો કેટલી વાર ઉપયોગ કરી શકે.
શિક્ષણ માટે 10 વાર ઉપાડ: શિક્ષણ સંબંધિત ખર્ચા માટે સભ્ય પોતાની સભ્યપદ અવધિ દરમિયાન વધુમાં વધુ 10 વાર ઉપાડ કરી શકશે. આ જોગવાઈ સભ્ય અને તેમના પરિવારના શિક્ષણ ખર્ચને આવરી લે છે.
મેડિકલ ખર્ચ પર કોઈ સીમા નહીં: પોતાના અને પરિવારના મેડિકલ ખર્ચ તેમજ બીમારી માટે સભ્ય કોઈ પણ નક્કી કરેલી સીમા વિના પૈસા ઉપાડી શકશે.
લગ્ન પ્રસંગ માટે 5 વાર: લગ્ન સંબંધિત ખર્ચા માટે સભ્ય પોતાની સભ્યપદ અવધિ દરમિયાન વધુમાં વધુ 5 વાર પીએફમાંથી એડવાન્સ રકમ ઉપાડી શકશે.
ઘર સંબંધિત ખર્ચ માટે 5 વાર: ઘર કે ફ્લેટની ખરીદી, ઘરનું નિર્માણ, હોમ લોન રિપેમેન્ટ અને ઘરના રિનોવેશન માટે સભ્યો પોતાની સભ્યપદ અવધિ દરમિયાન વધુમાં વધુ 5 વાર ઉપાડ કરી શકશે.
સ્પેશિયલ કન્ડિશન: કેટેગરી 3 હેઠળ સ્પેશિયલ કન્ડિશનમાં વર્ષમાં વધુમાં વધુ 2 વાર પીએફમાંથી નાણાં ઉપાડી શકાશે.
EPFOએ એ પણ જણાવ્યું છે કે સભ્યપદના 12 મહિના પૂરા થયા બાદ કર્મચારી પોતાના પીએફ બેલેન્સમાંથી વ્યાજ સાથે 75 ટકા રકમ ઉપાડી શકે છે, જેથી કર્મચારીઓને નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આ નિયમો સભ્યોને નાણાકીય મુશ્કેલીમાંથી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે, જેથી તેઓ જરૂર પડે ત્યારે પોતાની બચતનો ઉપયોગ કરી શકે.