કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પેન્શન કપાતની અનિવાર્ય પગાર મર્યાદા રૂ.15,000થી વધારીને રૂ.25,000 કરી છે. સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી લગભગ 51 લાખ કર્મચારીઓને લાભ મળશે અને સરકાર પર અંદાજે રૂ.11,339 કરોડનો બોજ પડશે.
આ નવો નિયમ 17 સપ્ટેમ્બર, 2026થી અમલમાં આવ્યો છે. કર્મચારીઓની સામાજિક સુરક્ષા વધુ મજબૂત કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
યોગદાન કેવી રીતે જમા થશે?
પેન્શન માટેનું યોગદાન કર્મચારીના પગારમાંથી નહીં, પરંતુ એમ્પ્લોયરના હિસ્સામાંથી જમા થશે. એમ્પ્લોયર 8.33 ટકા હિસ્સો પેન્શનમાં યોગદાન તરીકે આપશે અને બાકીની રકમ પીએફ ખાતામાં જમા થશે. આનાથી કર્મચારીની ટેક-હોમ સેલરી પર કોઈ અસર નહીં થાય, પણ તેને પેન્શન કપાતનો સીધો લાભ મળશે.
EPS હેઠળ પેન્શનની ગણતરી
એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) હેઠળ પેન્શન ગણતરી માટે આ સૂત્ર વપરાય છે:
માસિક પેન્શન = (પેન્શન યોગ્ય પગાર × પેન્શન યોગ્ય સેવાના વર્ષો) ÷ 70
જો સેવાના વર્ષો 20 કે તેથી વધુ હોય, તો તેમાં 2 વર્ષનું વધારાનું બોનસ પણ ઉમેરાય છે. નિવૃત્તિની ઉંમર 58 વર્ષ માનીએ તો બે ઉદાહરણ આ પ્રમાણે છે:
25 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરનાર અને બેસિક તથા ડીએ મળીને રૂ.25,000 પગાર ધરાવનાર કર્મચારીની પેન્શન યોગ્ય સેવા 33 વર્ષ થશે. તેમાં 2 વર્ષનું બોનસ ઉમેરતાં કુલ 35 વર્ષ ગણાશે. ગણતરી: (₹25,000 × 35) ÷ 70 = ₹12,500 પ્રતિ મહિને અંદાજિત પેન્શન.
30 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરનાર અને સમાન રૂ.25,000 પગાર ધરાવનાર કર્મચારીની પેન્શન યોગ્ય સેવા 28 વર્ષ થશે. તેમાં 2 વર્ષનું બોનસ ઉમેરતાં કુલ 30 વર્ષ ગણાશે. ગણતરી: (₹25,000 × 30) ÷ 70 = ₹10,714 પ્રતિ મહિને અંદાજિત પેન્શન.
નોંધ: આ ગણતરી ત્યારે જ લાગુ પડે છે જ્યારે પેન્શન યોગ્ય પગાર રૂ.25,000 રહે. વાસ્તવિક EPS પેન્શન નિવૃત્તિ સમયની છેલ્લી પગાર અને કુલ સેવા અવધિના આધારે નક્કી થાય છે.