કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પીએફ ખાતાધારકો માટે ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન (Joint Declaration)ની સુવિધા શરૂ કરી છે. આ સુવિધાના માધ્યમથી સભ્યો પોતાના ખાતામાં નામ, જન્મતારીખ, પિતા કે પતિનું નામ, નોકરી શરૂ કરવાની અને છોડવાની તારીખ જેવી ખોટી વિગતો સુધારી શકશે. આ માટે EPFO ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે.
પીએફ ખાતામાં નાની ભૂલ પણ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ખોટી વિગતોને કારણે પીએફ ક્લેમ મેળવવામાં, જૂના ખાતામાંથી નવા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં અને પેન્શનનો લાભ લેવામાં અડચણ આવી શકે છે. તેથી સમયાંતરે ખાતાની વિગતો ચકાસવી જરૂરી છે.
કઈ વિગતો સુધારી શકાશે?
ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન દ્વારા સભ્યો નીચેની વિગતોમાં સુધારા માટે અરજી કરી શકે છે:
- કર્મચારીનું નામ
- જન્મતારીખ
- પિતા અથવા પતિનું નામ
- નોકરી શરૂ કરવાની તારીખ
- નોકરી છોડવાની તારીખ
- રોજગાર સંબંધિત અન્ય જરૂરી વિગતો
અરજી કરવાની પ્રક્રિયા:
- EPFOના સત્તાવાર મેમ્બર સેવા પોર્ટલ પર જાઓ અને UAN, પાસવર્ડ તથા કેપ્ચા દાખલ કરીને લોગિન કરો.
- મેનુમાંથી ‘Joint Declaration’ વિકલ્પ પસંદ કરો.
- સ્ક્રીન પર દેખાતી તમારા ખાતાની વિગતોમાંથી જે ભૂલ હોય તે પસંદ કરો.
- ખોટી વિગતના સ્થાને સાચી માહિતી દાખલ કરો અને પુરાવા તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ કે પાસપોર્ટની નકલ અપલોડ કરો.
- બધી વિગતો ધ્યાનથી તપાસ્યા બાદ અરજી સબમિટ કરો.
અરજી સબમિટ થયા પછી તે ચકાસણી માટે સંબંધિત નોકરીદાતા અને EPFO કાર્યાલયને મોકલવામાં આવે છે. ચકાસણી પૂર્ણ થયા બાદ ખાતાની વિગતોમાં સુધારો કરવામાં આવે છે.
EPFOએ WhatsApp સેવા પણ શરૂ કરી છે, જેના દ્વારા સભ્યો નોંધાયેલા મોબાઇલ નંબર પરથી સંદેશ મોકલીને પીએફ બેલેન્સ, પાસબુકની વિગતો અને છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી શકે છે. EPFOએ ખાતાધારકોને સમયાંતરે પોતાના ખાતાની વિગતો આધાર કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો સાથે ચકાસવાની સલાહ આપી છે. કોઈ વિસંગતતા જણાય તો ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન દ્વારા સુધારા માટે અરજી કરી શકાય છે.