કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ સબ્સ્ક્રાઇબર્સની અટકેલી ફરિયાદો અને પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે 28 સપ્ટેમ્બરે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 'નિધિ આપકે નિકટ 2.0' અભિયાન હેઠળ યોજાશે.
EPFOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ કેમ્પની માહિતી શેર કરી છે. કેમ્પનો હેતુ સભ્યોને ઓનલાઇન પ્રક્રિયા પર જ નિર્ભર ન રહેવું પડે તે માટે સેવાઓ સીધી તેમની નજીક લઈ જવાનો છે. આ ઉપરાંત EPFOની વિવિધ યોજનાઓ, તેના ફાયદા અને સેવાઓની જાણકારી પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
કેમ્પની સૌથી મોટી ખાસિયત એ છે કે સભ્યો સંબંધિત અધિકારીઓ સાથે રૂબરૂ મળીને પોતાની સમસ્યાઓ અંગે સીધી ચર્ચા કરી શકશે. જો કોઈનું કામ ઓનલાઇન પ્રક્રિયામાં અટક્યું હોય અથવા કોઈ ખાસ કારણસર અટવાયું હોય, તો તેઓ અધિકારીઓ સમક્ષ પોતાની રજૂઆત મૂકી શકશે. લાંબા સમયથી પડતર ફરિયાદોના તાત્કાલિક નિવારણ પર આ કેમ્પમાં ખાસ ભાર મૂકવામાં આવશે.
EPFOએ સ્પષ્ટ કર્યું છે કે દરેક સમસ્યાનું સમાધાન સ્થળ પર જ થઈ જશે તે જરૂરી નથી, કારણ કે તે સમસ્યાની પ્રકૃતિ પર પણ આધાર રાખે છે. તેથી, જો તમે પીએફ સબ્સ્ક્રાઇબર છો અને આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો કેમ્પમાં જતા પહેલાં તમારી સમસ્યા સંબંધિત જરૂરી દસ્તાવેજો અને ઉપલબ્ધ માહિતી સાથે રાખવી ઉપયોગી થશે. તેનાથી અધિકારીઓને મામલો સમજીને ઝડપથી ઉકેલ લાવવામાં સરળતા રહેશે.