નિવૃત્ત કર્મચારીઓ માટે એક મહત્ત્વની ચર્ચા ચાલી રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ મળતા લઘુત્તમ માસિક પેન્શનને રૂ. 1,000થી વધારીને રૂ. 3,000 કરવાની વિચારણા છે. આ મુદ્દે 19 નવેમ્બરે ગુજરાતના ગીરમાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે.
મળતી માહિતી મુજબ, આ બેઠકમાં લઘુત્તમ માસિક પેન્શન વધારવાનો મુદ્દો ચર્ચામાં આવી શકે છે. જોકે, હજુ સુધી પેન્શનમાં વધારો કરવાનો અંતિમ નિર્ણય લેવાયો નથી. એક અહેવાલ પ્રમાણે દેશમાં આશરે 81.48 લાખ પેન્શનર્સ છે, જેમને આ નિર્ણયથી લાભ થઈ શકે છે.
EPFOની લઘુત્તમ પેન્શનમાં છેલ્લે વર્ષ 2014માં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે લઘુત્તમ પેન્શન રૂ. 250થી વધારીને રૂ. 1,000 કરવામાં આવ્યું હતું અને વેતન મર્યાદા રૂ. 6,500થી વધારીને રૂ. 15,000 કરવામાં આવી હતી. તે સમયે આશરે 80 ટકા પેન્શનર્સને રૂ. 1,000થી ઓછી પેન્શન મળતી હતી. હવે વેતન મર્યાદા રૂ. 15,000થી વધારીને રૂ. 25,000 કરવાની ચર્ચા વચ્ચે પેન્શનની રકમ વધારવાની માંગ પણ તેજ બની છે. ટ્રેડ યુનિયનો લાંબા સમયથી લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યાં છે.
ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીઓના PF ખાતામાં કર્મચારી અને કંપની બંને મૂળ પગારના 12-12 ટકા યોગદાન આપે છે. કંપનીના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા રકમ કર્મચારી પેન્શન યોજના (EPS)માં જમા થાય છે, જ્યારે બાકીના 3.67 ટકા PF ખાતામાં જાય છે. નવી વેતન મર્યાદા રૂ. 25,000 પ્રમાણે EPSમાં કંપનીનું મહત્તમ માસિક યોગદાન આશરે રૂ. 2,083 થાય છે. કર્મચારીનો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું મળીને રૂ. 50,000 હોય તો પણ યોગદાનની ગણતરી રૂ. 25,000ની વેતન મર્યાદા પ્રમાણે કરવામાં આવે છે.
EPFO પેન્શનની ગણતરી માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે. તેમાં પેન્શનપાત્ર પગારને પેન્શનપાત્ર નોકરીના વર્ષો સાથે ગુણાકાર કરીને 70 વડે ભાગવામાં આવે છે.
પેન્શન = (પેન્શનપાત્ર પગાર × પેન્શનપાત્ર નોકરીનાં વર્ષ) ÷ 70
પેન્શનપાત્ર પગાર એટલે નોકરીના છેલ્લા 60 મહિનાના સરેરાશ પગારની ગણતરી. EPFO હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછાં 10 વર્ષનું યોગદાન જરૂરી છે. ઉદાહરણ તરીકે, કોઈ કર્મચારીનો પેન્શનપાત્ર પગાર રૂ. 15,000 હોય અને તેણે 10 વર્ષ નોકરી કરી હોય તો ફોર્મ્યુલા પ્રમાણે તેની માસિક પેન્શન આશરે રૂ. 2,143 થાય છે.