ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) આગામી 19 નવેમ્બર 2026ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક યોજવા જઈ રહ્યું છે. આ બેઠકમાં એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ મળતા ન્યૂનતમ માસિક પેન્શનને રૂ. 1,000થી વધારીને રૂ. 3,000 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પેન્શનમાં આ વધારા અંગે શ્રમ મંત્રાલય અને નાણાં મંત્રાલય વચ્ચે પ્રાથમિક ચર્ચાઓ પૂર્ણ થઈ ચૂકી છે અને બંને મંત્રાલયો રૂ. 3,000ના પ્રસ્તાવ પર સંમત થયા હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેથી 19 નવેમ્બરની બેઠક બાદ જ સ્પષ્ટ ચિત્ર ઊભું થશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં મળતું રૂ. 1,000નું ન્યૂનતમ પેન્શન સપ્ટેમ્બર 2014થી લાગુ છે. વિતેલા એક દાયકામાં મોંઘવારી અને તબીબી ખર્ચમાં મોટો વધારો થયો હોવાથી કર્મચારી સંગઠનો દ્વારા પેન્શન વધારવાની સતત માંગ કરવામાં આવી રહી હતી.