કેન્દ્રીય કેબિનેટે બુધવારે મોટો નિર્ણય લેતા કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને કર્મચારી પેન્શન યોજના (EPS) માટે ફરજિયાત બેઝિક સેલરી લિમિટ ₹15,000 થી વધારીને ₹25,000 પ્રતિ મહિનો કરી છે. આ નિર્ણયથી દેશભરના 51 લાખથી વધુ કર્મચારીઓને PF બચત અને પેન્શનનો સીધો ફાયદો થશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે, હવે જે કર્મચારીઓનો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું (DA) ₹25,000 કે તેથી ઓછું છે, તેમના માટે કંપની માટે EPFમાં સામેલ કરવું ફરજિયાત રહેશે. પહેલાં આ મર્યાદા ₹15,000 હતી, અને તેનાથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ માટે PFમાં જોડાવું વૈકલ્પિક હતું.
નવા નિયમ મુજબ, જો કર્મચારીનો બેઝિક પગાર + DA ₹25,000 થી વધુ હોય, તો નવી નોકરીમાં જોડાતી વખતે EPFમાં સામેલ થવું ફરજિયાત નથી. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તે કર્મચારી પહેલાથી EPF સભ્ય ન હોય. જો તે પહેલેથી સભ્ય હોય, તો EPF ચાલુ રહેશે, પરંતુ ફરજિયાત યોગદાન માત્ર ₹25,000 સુધીની બેઝિક સેલરી પર જ કપાશે. આ મર્યાદા બેઝિક પગાર + DA પર લાગુ પડે છે, સંપૂર્ણ CTC કે ગ્રોસ સેલરી પર નહીં.
ઉદાહરણ 1: કર્મચારીનો બેઝિક + DA = ₹12,000. કંપની માટે EPFમાં સામેલ કરવો ફરજિયાત છે. કર્મચારીનું યોગદાન: 12% × 12,000 = ₹1,440. કંપની પણ લગભગ તેટલું જ યોગદાન આપશે.
ઉદાહરણ 2: બેઝિક + DA = ₹25,000. EPF ફરજિયાત છે. કર્મચારીનું યોગદાન: 12% × 25,000 = ₹3,000. કંપની પણ તેના પર યોગદાન આપશે.
ઉદાહરણ 3: અમિતનો બેઝિક + DA = ₹40,000, અને તે પ્રથમ વખત નોકરીમાં જોડાઈ રહ્યો છે. EPFમાં સામેલ થવું ફરજિયાત નથી. જો કંપની અને અમિત બંને સહમત હોય તો જોડાઈ શકે. ફરજિયાત યોગદાન માત્ર ₹25,000 પર જ થશે, એટલે કે કર્મચારીના ₹3,000 કપાશે. જો બંને ઈચ્છે તો ₹40,000 પર 12% (₹4,800) પણ કપાવી શકે, પરંતુ આ સ્વૈચ્છિક રહેશે.
ઉદાહરણ 4: કર્મચારી પહેલેથી EPF સભ્ય છે, અને પ્રમોશન પછી તેનો બેઝિક + DA ₹50,000 થઈ ગયો છે. EPF ચાલુ રહેશે, પરંતુ ફરજિયાત યોગદાન માત્ર ₹25,000 સુધી (₹3,000) જ રહેશે. તેનાથી વધુ યોગદાન કંપનીની નીતિ અને સંમતિ પર આધાર રાખશે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકારે EPF યોજના-2026માં એક ખાસ જોગવાઈ ઉમેરી છે. તે મુજબ, કોઈ ઈમરજન્સી, મહામારી કે કુદરતી આફતની સ્થિતિમાં ત્રણ મહિના માટે કર્મચારીના પગારમાંથી PF કપાશે નહીં અથવા આંશિક રીતે કપાશે. આ કટોકટી ક્યારે હશે તે સરકાર નક્કી કરશે અને નોટિફિકેશન બહાર પાડશે. આ રાહત સમગ્ર દેશ અથવા કોઈ ખાસ રાજ્ય/વિસ્તાર માટે લાગુ કરી શકાય છે.