સત્ય. સાહસ. સંકલ્પ.

પગારમાંથી PF કપાય છે પણ ખાતામાં જમા નથી? ઘરે બેઠા આ રીતે ચકાસો

પગારમાંથી PF કપાય છે પણ ખાતામાં જમા નથી? ઘરે બેઠા આ રીતે ચકાસો

નોકરી કરતા લોકોના પગારમાંથી દર મહિને પ્રોવિડન્ટ ફંડ (PF)ના નામે ચોક્કસ રકમ કપાય છે. આ કપાતની માહિતી સેલરી સ્લિપમાં દેખાય છે. પણ ફક્ત સેલરી સ્લિપમાં કપાત જોઈ લેવાથી ન ચાલે. કંપનીએ એ રકમ EPFOમાં જમા કરાવી છે કે નહીં, તે પણ ચકાસવું જરૂરી છે.

કર્મચારીઓએ સમયસર પોતાની PF પાસબુક ચેક કરતા રહેવું જોઈએ. એનાથી ખાતરી થાય છે કે કંપની નિયમિતપણે તમારા PF ખાતામાં પૈસા જમા કરાવી રહી છે અને કોઈ ચૂક થઈ રહી નથી.

PF પાસબુક ખોલો ત્યારે સૌથી પહેલાં પાછલા મહિનાની એન્ટ્રી તપાસો. જેમ કે, સપ્ટેમ્બરમાં પાસબુક જોઈ રહ્યા હોવ તો ઓગસ્ટ મહિનાની એન્ટ્રી અચૂક જુઓ. તેમાં કર્મચારીનો હિસ્સો, કંપનીનો હિસ્સો અને પેન્શન ફંડમાં જમા થયેલી રકમ સ્પષ્ટ દેખાવી જોઈએ.

ઘરે બેઠા EPFOના અધિકૃત પોર્ટલ પર જઈને પોતાની પાસબુક જોઈ શકાય છે. આ માટે UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) અને પાસવર્ડથી લૉગિન કરવું પડે. લૉગિન કર્યા પછી સંબંધિત મેમ્બર આઈડી પસંદ કરીને સંપૂર્ણ બેલેન્સ જોઈ શકાય છે.

EPFOએ યુઝર્સ માટે 'પાસબુક લાઈટ' ફીચર પણ આપ્યું છે. આ સુવિધામાં ખૂબ સરળ ઈન્ટરફેસ સાથે ખાતામાં જમા થયેલી રકમ, ઉપાડેલી રકમ અને હાલનું ઉપલબ્ધ બેલેન્સ ઝડપથી જોઈ શકાય છે.

સ્માર્ટફોન વાપરો છો તો UMANG એપ સૌથી અનુકૂળ વિકલ્પ છે. એપમાં લૉગિન કરીને EPFO સર્વિસમાં જાઓ અને ત્યાંથી પોતાની ઈ-પાસબુક તેમજ જમા રકમનું ટ્રેકિંગ સરળતાથી કરી શકાય છે.

જો તમે ભૂતકાળમાં એક કરતાં વધુ કંપનીઓમાં કામ કર્યું હોય, તો એક જ UAN સાથે અલગ-અલગ મેમ્બર આઈડી જોડાયેલા હોઈ શકે છે. તેથી પાસબુક જોતી વખતે હાલમાં કામ કરી રહ્યા છો તે કંપનીનો મેમ્બર આઈડી પસંદ કરવો જરૂરી છે.

પગારમાંથી PFના પૈસા કપાઈ ગયા હોય પણ પાસબુકમાં એન્ટ્રી ન દેખાતી હોય તો સૌથી પહેલાં સેલરી સ્લિપ સાથે રકમ સરખાવો. ઘણીવાર બેંકિંગ અને પ્રોસેસિંગના કારણે એન્ટ્રી અપડેટ થવામાં થોડા દિવસ લાગી જાય છે, તેથી થોડી રાહ જુઓ.

પૂરતો સમય વિત્યા પછી પણ પાસબુકમાં જમા રકમ ન દેખાય તો વિલંબ કર્યા વગર કંપનીના HR અથવા ફાઇનાન્સ વિભાગનો સંપર્ક કરો. તેમની પાસેથી ચુકવણીનું સ્ટેટસ કે ચલણ નંબરની વિગતો માંગો.

HR તરફથી સંતોષકારક જવાબ ન મળે અથવા કંપની નાણાં જમા કરાવવામાં આનાકાની કરે, તો કર્મચારીઓ EPFOના અધિકૃત ગ્રીવન્સ પોર્ટલ (EPFiGMS) પર જઈને કંપની સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી શકે છે.