EPF (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ) નોકરિયાત વર્ગ માટે નિવૃત્તિ સમયે મોટું ફંડ તૈયાર કરવામાં મદદરૂપ છે. દર મહિને કર્મચારીના પગારમાંથી એક ભાગ EPF ખાતામાં જમા થાય છે અને તેના પર નક્કી દર મુજબ વ્યાજ મળે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ નિવૃત્તિ પહેલાં નોકરી છોડી દે અને EPF ખાતામાં નવું યોગદાન ન થાય, તો શું વ્યાજ તરત બંધ થઈ જાય છે? EPFO ના જણાવ્યા મુજબ, આવું જરૂરી નથી.
જો કોઈ કર્મચારી 55 વર્ષ પહેલાં નોકરી છોડે અને EPF રકમ ખાતામાંથી ન ઉપાડે, તો હાલના ગાઈડન્સ મુજબ 58 વર્ષ સુધી વ્યાજ મળી શકે છે, જો શરતો પૂરી થાય. ઉદાહરણ તરીકે, 40 વર્ષે નોકરી છોડનારને પણ 58 વર્ષ સુધી વ્યાજ મળી શકે છે.
EPF ખાતું ઈનઓપરેટિવ (નિષ્ક્રિય) ત્યારે ગણાય છે જ્યારે નિવૃત્તિ, કાયમી વિદેશગમન અથવા કર્મચારીના મૃત્યુ જેવી સ્થિતિમાં ત્રણ વર્ષ સુધી કોઈ યોગદાન ન મળે. સામાન્ય રીતે, ઓપરેટિવ ખાતા પર 58 વર્ષ સુધી વ્યાજ મળે છે.
જો કર્મચારી 55 વર્ષ કે તેથી વધુ ઉંમરે નિવૃત્ત થાય, તો નિવૃત્તિની તારીખથી 36 મહિના પછી ખાતું ઈનઓપરેટિવ થાય છે અને વ્યાજ બંધ થાય છે. 50 વર્ષે સ્વેચ્છાએ નિવૃત્ત થનારને 58 વર્ષ સુધી વ્યાજ મળે છે, જ્યારે 60 વર્ષે નિવૃત્ત થનારને 63 વર્ષ સુધી વ્યાજ મળી શકે છે.