સત્ય. સાહસ. સંકલ્પ.

EPFમાં નવો ઇમરજન્સી નિયમ: મહામારી કે આપત્તિમાં સરકાર PF યોગદાન ઘટાડી શકશે, તમારા પગાર પર શું અસર?

EPFમાં નવો ઇમરજન્સી નિયમ: મહામારી કે આપત્તિમાં સરકાર PF યોગદાન ઘટાડી શકશે, તમારા પગાર પર શું અસર?

કર્મચારી ભવિષ્ય નિધિ યોજના (EPF)માં કેન્દ્ર સરકારે એક નવી કટોકટી જોગવાઈ ઉમેરી છે. આ જોગવાઈ હેઠળ દેશમાં મહામારી કે રાષ્ટ્રીય આપત્તિની સ્થિતિ ઊભી થાય તો સરકાર નોકરીદાતા અને કર્મચારી બંનેના પીએફ યોગદાનમાં કાપ મૂકી શકે છે અથવા તેને સ્થગિત કરી શકે છે.

આ નવા નિયમની તમારા પગાર, પીએફ ખાતા અને નિવૃત્તિ ભંડોળ પર શું અસર થશે, તે સવાલ-જવાબમાં સમજીએ.

સવાલ 1: EPF યોજનામાં કઈ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે?

જવાબ: દેશમાં મહામારી કે રાષ્ટ્રીય આપત્તિ આવે તો કેન્દ્ર સરકારને અધિકાર હશે કે તે કર્મચારીઓ અને કંપનીઓના પીએફ યોગદાનને એક વખતમાં વધુમાં વધુ ત્રણ મહિના માટે ઘટાડી શકે અથવા ટાળી શકે. આ રાહત સમગ્ર દેશમાં અથવા કોઈ ખાસ રાજ્ય કે ક્ષેત્ર માટે લાગુ કરી શકાય છે.

સવાલ 2: શું આ નિયમ લાગુ થતાં જ દર મહિને થતી પીએફ કપાત ઓછી થઈ જશે?

જવાબ: ના. આ એક ઇમરજન્સી પાવર છે, જે સરકારને જરૂર પડે ત્યારે નિર્ણય લેવાની મંજૂરી આપે છે. જ્યાં સુધી સરકાર કોઈ આપત્તિ કે મહામારી દરમિયાન વિશેષ નોટિફિકેશન બહાર પાડતી નથી, ત્યાં સુધી પીએફ કપાતનો સામાન્ય નિયમ (મૂળ વેતનનો 12%) જ લાગુ રહેશે.

સવાલ 3: શું કર્મચારી પોતાની મરજીથી પીએફ યોગદાન ઓછું કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે?

જવાબ: ના. કર્મચારી કે કંપની પોતાની રીતે આમાં ફેરફાર કરી શકતા નથી. સામાન્ય સંજોગોમાં 12% યોગદાન (અથવા સૂચિત સંસ્થાઓમાં 10%) આપવું ફરજિયાત રહેશે.

સવાલ 4: સરકારે આ જોગવાઈ શા માટે ઉમેરી? શું પહેલા આવું નહોતું થતું?

જવાબ: સરકારે સંકટના સમયે કર્મચારીઓ અને કંપનીઓને તાત્કાલિક નાણાકીય રાહત આપવા માટે આ સ્પષ્ટ કાનૂની માળખું બનાવ્યું છે. આ પહેલા કોવિડ-19 મહામારી વખતે મે, જૂન અને જુલાઈ 2020 માટે પીએફ યોગદાનનો દર 12%થી ઘટાડીને 10% કરવામાં આવ્યો હતો, જેથી લોકોના હાથમાં રોકડ વધે. હવે નવા નિયમમાં તેને કાયમી ઇમરજન્સી ટૂલ તરીકે સામેલ કરવામાં આવ્યું છે.

સવાલ 5: સરકાર પીએફ કપાત ઘટાડે તો ઇન-હેન્ડ પગાર પર શું અસર થશે?

જવાબ: કર્મચારીનું પીએફ યોગદાન ઘટે તો તેનો માસિક ટેક-હોમ પગાર વધી જશે. ઉદાહરણ: ધારો કે તમારી પીએફ કપાત દર મહિને ₹6,000 છે. સરકાર ત્રણ મહિના માટે તેને ઘટાડીને ₹5,000 કરે તો તમને દર મહિને ₹1,000 વધારાનો પગાર મળશે. ત્રણ મહિનામાં કુલ ₹3,000 રોકડ હાથમાં આવશે.

સવાલ 6: ટેક-હોમ પગાર વધારવાનો કોઈ ગેરલાભ પણ છે?

જવાબ: હા, તેની અસર તમારા નિવૃત્તિ ભંડોળ પર પડશે. પીએફ ખાતામાં જેટલા ઓછા પૈસા જમા થશે, તેટલું ઓછું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. ટેક-હોમ પગારનો તાત્કાલિક ફાયદો લાંબા ગાળે નિવૃત્તિ ભંડોળ થોડું ઓછું કરી શકે છે.

સવાલ 7: યોગદાન 'ઘટાડવા' અને 'ટાળવા'માં શું ફરક છે?

જવાબ: બંનેમાં મોટો તફાવત છે. ઘટાડો: નિર્ધારિત સમયગાળા માટે યોગદાનનો દર ઘટાડવામાં આવે છે, જે પછીથી જમા કરાવવાની જરૂર નથી. સ્થગિત કરવું: સંકટના સમયે ચુકવણી રોકી દેવામાં આવે છે, પરંતુ પછીથી બાકી રકમ પીએફ ખાતામાં જમા કરાવવી પડે છે.

સવાલ 8: શું સરકાર સામાન્ય દિવસોમાં પણ પીએફ દર બદલી શકે છે?

જવાબ: ના. નિયમો સ્પષ્ટ કરે છે કે આ શક્તિનો ઉપયોગ ફક્ત મહામારી, સ્થાનિક રોગચાળો અથવા રાષ્ટ્રીય આપત્તિ જેવી અસાધારણ પરિસ્થિતિમાં જ કરી શકાય છે.

સામાન્ય સ્થિતિમાં કર્મચારીની માસિક પીએફ કપાત ₹6,000 હોય તો ઇમરજન્સી સ્થિતિમાં તે ₹5,000 થાય, જેથી ₹1,000ની બચત થાય. ત્રણ મહિનામાં પીએફ ખાતામાં ₹18,000ને બદલે ₹15,000 જમા થાય, એટલે ₹3,000 ઓછા જમા થાય. લાંબા ગાળે ઓછી જમા રકમના કારણે નિવૃત્તિ ભંડોળ પર નજીવી અસર થાય.

સવાલ 9: સ્વૈચ્છિક પીએફ (VPF) હેઠળ યોગદાન આપતા કર્મચારીઓ પર શું અસર થશે?

જવાબ: વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)નો નિયમ અલગ છે. સ્વૈચ્છિક યોગદાન પર આ ઇમરજન્સી કપાત આપમેળે લાગુ પડશે નહીં. ઇમરજન્સી નિયમની અસર મુખ્યત્વે ફરજિયાત (12%) યોગદાન પર પડશે. VPF ધરાવતા કર્મચારીઓનું વધારાનું યોગદાન સરકારી આદેશ મુજબ જ નક્કી થશે.

EPF અને VPF વચ્ચેનો તફાવત

EPF (કર્મચારી ભવિષ્ય નિધિ): સરકારી નિયમ હેઠળ ફરજિયાત બચત. તેમાં કર્મચારી અને કંપની બંનેનું 12%-12% યોગદાન ફરજિયાત હોય છે.

VPF (સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ): નિવૃત્તિ માટે વધુ બચત કરવા માંગતો કર્મચારી 12%થી વધુ (મૂળભૂત પગારના 100% સુધી) પીએફ કપાવી શકે છે. પરંતુ આ વધારાના હિસ્સા પર કંપનીને પોતાની તરફથી પૈસા ઉમેરવાની ફરજિયાતતા હોતી નથી.