સત્ય. સાહસ. સંકલ્પ.

EPF નવો નિયમ: મહામારી કે ઇમરજન્સીમાં ત્રણ મહિના PF કપાશે નહીં, પગાર વધશે

EPF નવો નિયમ: મહામારી કે ઇમરજન્સીમાં ત્રણ મહિના PF કપાશે નહીં, પગાર વધશે

કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજના-2026માં એક નવી જોગવાઈ ઉમેરી છે. આ જોગવાઈ મુજબ દેશમાં ઈમરજન્સી, મહામારી કે કુદરતી આફતની સ્થિતિ ઊભી થાય તો સરકાર ત્રણ મહિના સુધી કર્મચારીના પગારમાંથી PF કપાત ઘટાડી શકે છે અથવા મુલતવી રાખી શકે છે.

આ કટોકટીની સ્થિતિ ક્યારે ગણાશે, તે સરકાર નક્કી કરશે અને તેના માટે અલગ નોટિફિકેશન બહાર પાડશે. આ રાહત આખા દેશ માટે અથવા કોઈ ખાસ રાજ્ય કે વિસ્તાર માટે પણ લાગુ કરી શકાય છે.

આ નવા નિયમની તમારા પગાર, PF ખાતા અને નિવૃત્તિ ફંડ પર શું અસર થશે, તે સવાલ-જવાબમાં સમજીએ.

પ્રશ્ન 1: EPF યોજના 2026માં કઈ નવી જોગવાઈ ઉમેરાઈ છે?
જવાબ: જો દેશમાં મહામારી કે રાષ્ટ્રીય આફત આવે તો કેન્દ્ર સરકારને અધિકાર હશે કે તે કર્મચારીઓ અને કંપનીઓના PF યોગદાનને એક વખતમાં વધુમાં વધુ ત્રણ મહિના માટે ઘટાડી શકે અથવા મુલતવી રાખી શકે. આ રાહત આખા દેશ માટે કે કોઈ ખાસ રાજ્ય/વિસ્તાર માટે લાગુ કરી શકાય.

પ્રશ્ન 2: શું આ નિયમ લાગુ થતાં જ દર મહિને PF કપાત ઓછી થઈ જશે?
જવાબ: ના. આ એક ઈમરજન્સી પાવર છે, જે સરકારને જરૂર પડે ત્યારે નિર્ણય લેવાની મંજૂરી આપે છે. જ્યાં સુધી સરકાર કોઈ આફત કે મહામારી દરમિયાન ખાસ નોટિફિકેશન બહાર પાડતી નથી, ત્યાં સુધી PF કપાતનો સામાન્ય નિયમ (મૂળ પગારના 12%) જ લાગુ રહેશે.

પ્રશ્ન 3: શું કર્મચારી પોતે PF યોગદાન ઘટાડવાનો વિકલ્પ પસંદ કરી શકે?
જવાબ: ના. કર્મચારી કે કંપની પોતાની રીતે તેમાં ફેરફાર કરી શકતા નથી. સામાન્ય સંજોગોમાં 12% યોગદાન (અથવા અધિસૂચિત સંસ્થાઓમાં 10%) આપવું ફરજિયાત રહેશે.

પ્રશ્ન 4: સરકારે આ જોગવાઈ શા માટે ઉમેરી, પહેલા આવું નહોતું થતું?
જવાબ: સરકારે સંકટના સમયે કર્મચારીઓ અને કંપનીઓને તાત્કાલિક નાણાકીય રાહત આપવા માટે આ સ્પષ્ટ કાનૂની માળખું બનાવ્યું છે. આ પહેલા કોવિડ-19 મહામારી સમયે મે, જૂન અને જુલાઈ 2020 માટે PF યોગદાનનો દર 12% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો હતો, જેથી લોકોના હાથમાં રોકડ વધે. હવે નવા નિયમમાં તેને કાયમી ઈમરજન્સી ટૂલ તરીકે સામેલ કરાયું છે.

પ્રશ્ન 5: સરકાર PF કપાત ઘટાડે તો ઈન-હેન્ડ પગાર પર શું અસર થશે?
જવાબ: જો કર્મચારીનું PF યોગદાન ઘટે છે, તો તેનો માસિક ટેક-હોમ પગાર વધી જશે. ઉદાહરણ: ધારો કે તમારું PF યોગદાન દર મહિને ₹6,000 કપાય છે. જો સરકાર ત્રણ મહિના માટે તેને ઘટાડીને ₹5,000 કરે, તો તમને દર મહિને ₹1,000 વધારાનો પગાર મળશે. ત્રણ મહિનામાં કુલ ₹3,000 હાથમાં આવશે.

પ્રશ્ન 6: ટેક-હોમ પગાર વધારવાનો કોઈ ગેરલાભ પણ છે?
જવાબ: હા, તેની અસર તમારા નિવૃત્તિ ફંડ પર પડશે. જેટલા ઓછા પૈસા તમારા PF ખાતામાં જમા થશે, તેટલું જ ઓછું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. ટેક-હોમ પગારનો તાત્કાલિક ફાયદો તમારા નિવૃત્તિ ફંડને થોડો ઓછો કરી શકે છે.

પ્રશ્ન 7: યોગદાન ‘ઘટાડવા’ અને ‘મુલતવી રાખવા’માં શું ફરક છે?
જવાબ: બંનેમાં મોટો તફાવત છે. ઘટાડો એટલે નિર્ધારિત સમયગાળા માટે યોગદાનનો દર ઘટાડવો, જે પછીથી જમા કરાવવાની જરૂર નથી. મુલતવી રાખવું એટલે સંકટના સમયે ચુકવણી રોકી દેવી, પણ પછીથી તે બાકી રકમ PF ખાતામાં જમા કરાવવી પડે.

પ્રશ્ન 8: સરકાર જ્યારે ઈચ્છે ત્યારે સામાન્ય દિવસોમાં પણ PF દર બદલી શકે?
જવાબ: ના. નિયમો સ્પષ્ટ કરે છે કે આ શક્તિનો ઉપયોગ ફક્ત મહામારી, સ્થાનિક રોગચાળો કે રાષ્ટ્રીય આપત્તિ જેવી અસાધારણ પરિસ્થિતિમાં જ કરી શકાય.

વિગતો

સામાન્ય સ્થિતિ (12%): કર્મચારીની માસિક PF કપાત ₹6,000, ઈન-હેન્ડ પગાર સામાન્ય, 3 મહિનામાં PF ખાતામાં ₹18,000 જમા.
ઈમરજન્સી સ્થિતિ (10%): કર્મચારીની માસિક PF કપાત ₹5,000, ઈન-હેન્ડ પગાર ₹1,000 વધુ, 3 મહિનામાં ₹3,000 રોકડ રાહત, 3 મહિનામાં PF ખાતામાં ₹15,000 જમા.
લાંબા ગાળાની અસર: ઓછી જમા રકમના કારણે નિવૃત્તિ કોર્પસ પર નજીવી અસર થઈ શકે.

પ્રશ્ન 9: સ્વૈચ્છિક PF (VPF) હેઠળ યોગદાન આપતા કર્મચારીઓ પર શું અસર થશે?
જવાબ: વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF) નો નિયમ અલગ છે. સ્વૈચ્છિક યોગદાન પર આ ઈમરજન્સી કપાત આપમેળે લાગુ પડશે નહીં. ઈમરજન્સી નિયમની અસર મુખ્યત્વે ફરજિયાત 12% યોગદાન પર પડશે. VPF ધરાવતા કર્મચારીઓનું વધારાનું યોગદાન સરકારી આદેશ મુજબ જ નક્કી થશે.

નોલેજ પાર્ટ: EPF અને VPF વચ્ચેનો તફાવત
EPF (કર્મચારી ભવિષ્ય નિધિ): સરકારી નિયમ હેઠળ ફરજિયાત બચત. તેમાં કર્મચારી અને કંપની બંનેનું 12%-12% યોગદાન ફરજિયાત હોય છે.
VPF (સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ): જો કર્મચારી નિવૃત્તિ માટે વધુ બચત કરવા માંગે, તો તે 12% થી વધુ (મૂળ પગારના 100% સુધી) PF કપાવી શકે છે.