ઇંગ્લેન્ડે શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ T20I મેચમાં 8 વિકેટથી વિજય મેળવીને ત્રણ મેચની શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી છે. આ જીત સાથે ઇંગ્લેન્ડ ICC T20I રેન્કિંગમાં ભારતને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.
શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી, પરંતુ ઇંગ્લેન્ડના બોલરો સામે 18.5 ઓવરમાં માત્ર 124 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકાના છ બેટ્સમેન 10 રનના આંકડા સુધી પણ પહોંચી શક્યા નહોતા. ઓપનર પથુમ નિસાન્કાએ 36 રન અને કમિન્ડુ મેન્ડિસે 35 રન બનાવીને થોડો પ્રતિકાર કર્યો, પરંતુ બાકીના બેટ્સમેન ટકી શક્યા નહીં. ઇંગ્લેન્ડ તરફથી સોની બેકર, જોફ્રા આર્ચર અને વિલ જેક્સે બે-બે વિકેટ ઝડપી, જ્યારે લિયામ ડોસન અને જેમી ઓવરટનને એક-એક વિકેટ મળી.
125 રનના લક્ષ્યનો પીછો કરતી ઇંગ્લેન્ડની ટીમે આક્રમક બેટિંગ કરીને માત્ર 9.4 ઓવરમાં (58 બોલમાં) મેચ જીતી લીધી. શરૂઆતમાં ઓપનર એન્યુરિન ડોનાલ્ડ માત્ર 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, પરંતુ કેપ્ટન હેરી બ્રુક અને જોસ બટલરે 38 બોલમાં 85 રનની ભાગીદારી કરીને ટીમને સહેલાઈથી વિજય અપાવ્યો. બટલરે 32 બોલમાં અણનમ 62 રન ફટકાર્યા. તેમણે આ પહેલી મેચમાં જ T20 ફોર્મેટમાં 15,000 રન પૂરા કર્યા હતા.
ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક માટે આ શ્રેણી યાદગાર રહી. ત્રીજી મેચમાં 21 બોલમાં 33 રન બનાવતાં તેમણે ઇંગ્લેન્ડની ધરતી પર 3,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા. 79 ઇનિંગ્સમાં 43.50ની સરેરાશથી તેમણે કુલ 3,002 રન નોંધાવ્યા છે. આખી શ્રેણીમાં 170 રન બનાવવા બદલ તેમને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ મળ્યો.
આ શ્રેણી પૂરી થયા બાદ હવે બંને ટીમો 22, 24 અને 27 સપ્ટેમ્બરે ત્રણ મેચની ODI શ્રેણી રમશે.