ઇંગ્લેન્ડના ઓલી પોપે અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (APL) T-20ના પ્રથમ ડ્રાફ્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેમની સાથે વિલ સ્મીડ અને ડેવિડ વિલીએ પણ ડ્રાફ્ટમાંથી નામ પાછું ખેંચ્યું છે. જ્યારે ડેવિડ મલાન હજુ ડ્રાફ્ટમાં સામેલ છે.
આ ડ્રાફ્ટ 24 ઓક્ટોબરે યોજાવાનો છે. તાલિબાન સરકારમાં મહિલાઓને ક્રિકેટ રમવાની મંજૂરી નથી અને ત્યાં મહિલા ટીમ પણ નથી. આ કારણે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો અફઘાનિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝ રમતી નથી. તેઓ પોતાના ખેલાડીઓને ત્યાંની લીગમાં રમવાની પણ મંજૂરી આપતા નથી.
ઓલી પોપને એક દિવસ પહેલાં જ ECBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. ક્રિકઇન્ફો અનુસાર, પોપે સોમવારે ECBના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીના નિવેદન પહેલાં જ નામ પાછું ખેંચવાનો નિર્ણય લીધો હતો.
રોબ કીએ ખેલાડીઓને APLમાં રમવા અંગે યોગ્ય નૈતિક વલણ અપનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ડ્રાફ્ટ માટે નોંધણી કરાવનાર ઓલી પોપ સાથે તેઓ તેના નિર્ણય અંગે વાત કરશે. બીબીસીના ‘ટેસ્ટ મેચ સ્પેશિયલ’ પોડકાસ્ટમાં રોબ કીએ કહ્યું, ‘કાયદેસર રીતે ખેલાડીઓને આ સ્પર્ધાઓમાં રમતા રોકવું મુશ્કેલ છે.’
ડેવિડ મલાને ECB અને ICCના નિયમોનો હવાલો આપ્યો. તેમણે કહ્યું, ‘ખેલાડીઓ તરીકે અમે ICC અને બોર્ડ તરફથી મળતી સૂચનાઓનું પાલન કરીએ છીએ.’ મલાને કહ્યું, ‘મારી એક દીકરી છે. હું ઇચ્છું છું કે તે રમત રમે અને તેમાં આગળ વધે. હું આ દલીલને સંપૂર્ણપણે સમજું છું.’ તેમણે ઉમેર્યું, ‘અંતે હું ક્રિકેટર છું. મારે મારું ભાડું ચૂકવવું છે અને જ્યાં સુધી રમી શકું ત્યાં સુધી કમાણી કરવી છે. જ્યાં સુધી બોર્ડે તેને મંજૂરી આપી છે, ત્યાં સુધી હું રમવા માટે તૈયાર છું.’
એપીએલના આયોજન પર પણ સવાલ ઊભા થયા છે. ક્રિકઇન્ફોએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે APL નિર્ધારિત કાર્યક્રમ અનુસાર યોજાશે કે નહીં તે અંગે પણ શંકા છે. લીગની પાંચમાંથી માત્ર ત્રણ ફ્રેન્ચાઇઝી વેચાઈ છે. એક સૂત્રએ લીગની સંભાવનાઓને ‘ખૂબ અનિશ્ચિત’ ગણાવી છે. APLનું આયોજન 27 ડિસેમ્બરથી UAEમાં શરૂ થવાનું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે બે મહિના પહેલા લીગની ટ્રોફી લોન્ચ કરી હતી.